બધું ફેરથી બહુ વિચારીને જોયું
ન ધારેલ સઘળું ય ધારીને જોયું
વિષય લાગણીનો હતો,એટલે તો
સ્મરણને નિતારી-નિતારીને જોયું !
હશે એની આડે ખુશી એમ સમજી
અમે દર્દને આવકારીને જોયું !
થતાં હોય કેમેય ખાતા જો સરભર
હતું જે જમા, એ ઉધારીને જોયું !
વળોટાય નહીં હદ કશી,કોઇ રીતે
નવેસર બધી હદ મઠારીને જોયું
ન બદલ્યું સ્વયં કંઇ,ન બદલી શકાયું
હતું યાદ એ પણ વિસારીને જોયું
સ્વભાવે જ ભજવ્યો હશે ભાવ,નહીંતર
મહેશતા ય છેલ્લે નકારીને જોયું !!!
ડૉ.મહેશ રાવલ









