RSS

Category Archives: my gazal

અવસર-અવસર લાગે છે !

 આખે-આખું હોવું  જાણે, અવસર-અવસર લાગે છે !

આખે-આખું હોવું જાણે, અવસર-અવસર લાગે છે !

 

ભીતરનાં  અજવાળે  સઘળું  ઝળહળ-ઝળહળ લાગે છે
આખે-આખું  હોવું  જાણે, અવસર-અવસર  લાગે  છે !

બહુ   વેઠી    મૂલવણી    અંદરખાને     સારા-નરસાની   
સમજાણું  ખુલ્લંખુલ્લા, તો  સમજણ-સમજણ લાગે છે !

વીત્યું  કે વિતાવ્યું  જીવતર, એ  બાબત  સહુની  અંગત
પણ લગભગ આંખોનાં ખૂણે, ગળતર-ગળતર લાગે છે !

ઊઠે પણ જાગે નહીં  એવા અધકચરા નહીં સમજે, પણ
જાગીને  જગ  જોયું  એને, સરભર-સરભર  લાગે  છે !

નિસ્બતનો  સાચો  મતલબ તો, નિસ્બત રાખે એ જાણે
મતલબથી નિસ્બત છે  એને  નડતર-નડતર  લાગે છે !

કેળવવી   પડશે   જાતે,  માંગી  મળશે  નહીં  મક્કમતા
નબળી માનસિક્તાને કાયમ  અવઢવ-અવઢવ લાગે છે !

થકવી  દેશે, સગપણનાં  ભારેખમ  ભારણનું  વળગણ
અંતે   કે’તાં  ફરશો, સાલ્લું   કળતર-કળતર  લાગે  છે !

 

  © ડૉ.મહેશ રાવલ

 
4 Comments

Posted by on January 7, 2016 in my gazal

 

ઉઘડતાં નથી હવે !

માણસનાં હાવ-ભાવ ઉઘડતાં નથી હવે !

ગઇકાલ   જેમ,  આજ   ઉઘડતાં   નથી  હવે
માણસનાં   હાવ – ભાવ  ઉઘડતાં   નથી  હવે

‘આવો’ ન ‘આવજો’  ન ઉમળકો આતિથ્યનો
ખુલ્લા  મને,  જરાય   ઉઘડતાં   નથી   હવે !

છે    અંતરાય    કંઇક     બધાનાં    ઉઘાડમાં
ઉઘડી   જવા  છતાંય,   ઉઘડતાં  નથી   હવે

કારણ  ગમે  તે  હોય, હકીકત  એ  સ્પષ્ટ  છે
કે   લાગણી – લગાવ   ઉઘડતાં   નથી    હવે

જે  કંઇ  નિભાવ  છે  એ  ફકત  લોકલાજ છે
નહીંતર,  નિભાવણાં  ય  ઉઘાડતાં નથી  હવે !

અપવાદમાં   ખપે   એવા  થોડાક   ઘર   હશે
બાકી   એકેય,   ખાસ   ઉઘડતાં  નથી   હવે

ખાબોચિયા  તો  ઠીક  છે,  કાંઠાળ  જાત  છે
ઝરણાં  ય  ક્યાંક  ક્યાંક  ઉઘડતાં નથી  હવે !

© ડૉ.મહેશ રાવલ       

 
 

આંતરી બેઠા છીએ…

સમજણ ગણીને, ગેરસમજણ ગોઠવી બેઠા છીએ...!

સમજણ ગણીને, ગેરસમજણ ગોઠવી બેઠા છીએ…!

 

સહુનાં  ગજાનું  સહુ  અહીં  છળ  આચરી  બેઠા છીએ
સમજણ  તરીકે,  ગેરસમજણ  ગોઠવી   બેઠા  છીએ

ઈચ્છાવગરની   હા  અને   ઈચ્છાભરેલી  ના   ઉપર
સંબંધની  આખી   વસાહત   પાથરી   બેઠા   છીએ !

સીધા   નહીં    તો    આડકતરા,   પ્રશ્નથી    ઘેરાઇને
ઉત્તર   પરત્વેની   મથામણ   આદરી   બેઠા   છીએ

ફાવી  ગયું    છે   જીવતા  ચહેરા – મુખોટાઓ  સહિત
ઓળખ વગરની સહુ પરખ બસ, સાચવી બેઠા છીએ

જોયું  ખરું, પણ  જાણવાની તસ્દી  લીધી  નહીં  કદી
‘ને   જાણતલનાં  ડોળપૂર્વક,  વિસ્તરી  બેઠા  છીએ !

છૂટી   રહ્યું    છે   હાથથી,   હોવું    જરૂરી   હોય   એ
‘ને   છોડવા  જેવું   બધું  મનમાં  ભરી  બેઠા  છીએ !

નાંખી રહ્યાં  છે  આળ  સહુ  દુર્ભાગ્યના માથે “મહેશ”
પણ,  ભાગ્યનો  રસ્તો  ખરેખર  આંતરી  બેઠા છીએ

 

© ડૉ.મહેશ રાવલ

 
5 Comments

Posted by on April 10, 2015 in my gazal

 

રઘવાટ શેનો છે…

છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે..!

છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે..!

ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવાં ફૂલ તો, આ ભાર શેનો છે !

તમને ગણાવો છો તમે સહુથી અલિપ્ત, તો
ભીની જણાતી આંખમાં તલસાટ શેનો છે

કોરી જ પાટી હો તમારા મન-વિચારની
છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે !

નહીં મોહ નહીં માયા ન કંઇ વળગણ કશાયનું
તો પ્રશ્ન એ છે કે, વિરોધાભાસ શેનો છે

ધારણ કરેલું ધૈર્ય આડંબર ન હોય તો
વાણી ને વર્તન બેયમાં ઉત્પાત શેનો છે

કરતાં નથી ક્યારેય જો તરફેણ કોઇની
મુઠ્ઠી વળેલાં હાથને આધાર શેનો છે !

ખોટું સ્વયં કરતા નથી, કરવા નથી દેતાં
તો સત્ય પ્રત્યે આટલો ધિક્કાર શેનો છે

 

©ડૉ.મહેશ રાવલ

 
7 Comments

Posted by on March 7, 2015 in my gazal

 

અર્થ કોને આવડે છે..!

dead_sea_sunset (1)

અર્થને વિસ્તારવાનો અર્થ કોને આવડે છે
ધારણાથી પર થવાનો અર્થ કોને આવડે છે

આપણી કહી જિંદગીને જીવથી વ્હાલી ગણી, પણ
અન્યખાતર જીવવાનો અર્થ કોને આવડે છે !

ના કહેવી આમ તો આસાન છે પણ, એજ ઝડપે
હા કહી આગળ થવાનો અર્થ કોને આવડે છે !

તડ હશે ત્યાંથી જ તૂટે પાત્ર હો  કે પાત્રતા
પણ, ખરેખર તૂટવાનો અર્થ કોને આવડે છે

ભીડ વચ્ચે ક્યાં મળે છે કોઇને એકાંત જેવું
એ હદે પરવારવાનો અર્થ કોને આવડે છે !

હાથ છેલ્લે સત્યનો રહેશે ઉપર, નક્કી જ છે પણ
સત્યને સ્વીકારવાનો અર્થ કોને આવડે છે

કંઇ નથી અટકી જવાનું કોઇના ચાલ્યા જવાથી
પણ જાય છે, એના જવાનો અર્થ કોને આવડે છે

 

©ડૉ.મહેશ રાવલ

 
4 Comments

Posted by on February 8, 2015 in my gazal

 

તો, એમને તકલીફ થઇ…!

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને....

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને….

 

અટક્યાવગર આગળ વધ્યા તો એમને તકલીફ થઇ
સંજોગ સાથે બાખડ્યા તો એમને તકલીફ થઇ !

પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન લઇ ઊભા થયા બે-ખોફ, ‘ને
ઉત્તર બધા ટાંચા પડ્યા તો એમને તકલીફ થઇ

ઘટના જૂની ભૂલી જવાની હોય, એ ભૂલાઇ નહીં
બે-ત્રણ પુરાવા પણ મળ્યા તો એમને તકલીફ થઇ

પડઘાવગરનાં સાદ બહુ કાને નથી પડતાં, છતાં
એ કાન દઇને સાંભળ્યા તો એમને તકલીફ થઇ !

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને
સાચા હતાં સાચા ઠર્યા તો એમને તકલીફ થઇ

અંધારપટને ખાળવા સાહસ કર્યું આખા ઘરે
‘ને ટોડલે દીવા બળ્યા તો એમને તકલીફ થઇ !

સહુનાં થવાની લાહ્યમાં એ થઇ શક્યા નહીં કોઇનાં
અમને, બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઇ !

 

©ડૉ.મહેશ રાવલ

 
7 Comments

Posted by on October 29, 2014 in my gazal

 

સંજોગ તો સંજોગ છે !

સાક્ષી તરીકે ગ્રંથ ઉથલાવી જૂઓ ઈતિહાસનાં....

સાક્ષી તરીકે ગ્રંથ ઉથલાવી જૂઓ ઈતિહાસનાં….

 

નહીં ખૂલે એ ખોલશે, સંજોગ તો સંજોગ છે
‘ને એ પછી, ધમરોળશે સંજોગ તો સંજોગ છે

સાક્ષી તરીકે ગ્રંથ ઉથલાવી જૂઓ ઈતિહાસનાં
એકેક પાનું  બોલશે સંજોગ તો સંજોગ છે !

એનાં સ્વભાવે મૂળથી, નિર્માણ છે  ‘ને ધ્વંસ છે
સમથળ નથી એ તોડશે સંજોગ તો સંજોગ છે

તરફેણ કરવાની કલા શીખ્યો નથી એ જન્મથી
એકેકને ઝંઝોડશે સંજોગ તો સંજોગ છે !

સંભવ નથી એની નજરમાંથી છટકવું કોઇથી
ખૂણે-ખૂણામાં શોધશે, સંજોગ તો સંજોગ છે

ઉક્લ્યો નથી એ કોયડો એકેયરીતે, કોઇથી
તું પણ મથામણ છોડજે સંજોગ તો સંજોગ છે !

નહીં અંતથી આરંભથી નહીં કોઇ મતલબ મધ્યથી
એની કથા કૈં ઓર છે સંજોગ તો સંજોગ છે !

 

©ડૉ.મહેશ રાવલ

 
8 Comments

Posted by on September 25, 2014 in my gazal

 

બસ આટલું છે !

દબદબો પણ કહી શકો કહી દ્યો ફકીરી...

દબદબો પણ કહી શકો કહી દ્યો ફકીરી…

 

આ તરફથી એ તરફ, બસ આટલું છે
આ ચરણનું આચરણ બસ આટલું છે !

દબદબો પણ કહી શકો કહી દ્યો ફકીરી
ફૂલ છે ઝાકળસભર, બસ આટલું છે

વીંઝણો વીંઝાય ભીતર શ્વાસનો, ‘ને
રાખનું ઝળહળ નગર, બસ આટલું છે

નામ બદલે રૂપ બદલે ખોળિયું,પણ
હોય છે આત્મા અમર, બસ આટલું છે

શૂન્ય નિપજે શૂન્યમાંથી, શૂન્યતા લઇ
આપણું આવાગમન બસ આટલું છે !

સત્ય એકજ છે અને એ પણ સનાતન
એજ કેવળ છે અફર, બસ આટલું છે

છે મથામણ જીવને જીવાડવાની
નામ દીધું – જીવતર, બસ આટલું છે !

 

ડૉ.મહેશ રાવલ

 

 
 

મળવાના તમે,તમને !

હિસાબો માંડશો સંબંધની ઉપલબ્ધિઓનાં, તો.....

હિસાબો માંડશો સંબંધની ઉપલબ્ધિઓનાં, તો…..

 

તમારામાં જ અટવાયેલ મળવાના તમે,તમને
જણસની જેમ જોખાયેલ મળવાના તમે,તમને

મળે એકાંત તો અંદરસુધી ઊતરી જજો મનમાં
ખૂણામાં કયાંક ધરબાયેલ મળવાના તમે,તમને

કરો સરખામણી વીત્યા સમયની આજ સાથે, તો
સ્વભાવે સાવ બદલાયેલ મળવાના તમે,તમને !

હિસાબો માંડશો સંબંધની ઉપલબ્ધિઓનાં, તો
અમસ્તા સાવ ખરપાયેલ મળવાના તમે,તમને

સમય સુખ-દુઃખ વણીને પીરસે છે વ્યંજનો, એમાં
વરખની જેમ વપરાયેલ મળવાના તમે,તમને !

મહત્તા જિંદગીની મૃત્યુવેળાએ જ સમજાશે
અને ત્યારે જ, રૂંધાયેલ મળવાના તમે,તમને !

મલક આખો “મહેશ’ ખૂંદીવળો પણ આખરે જોજો !
કશેક, ઘરમાં જ સચવાયેલ મળવાના તમે,તમને !

 

ડૉ.મહેશ રાવલ

 

 

 
 

નીકળી પડે…!

જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે

જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે

 

સત્ય જેવા સત્યને,પડકારવા  નીકળી પડે
છાબડું લઇ, સૂર્યને સહુ ઢાંકવા નીકળી પડે !

પ્રશ્ન જેવી શખ્સિયતને ઉત્તરો ગમતાં નથી
એટલે, ટોળે વળી સંતાપવા નીકળી પડે

જે સ્વયં સગવડ ચકાસી રોજ બદલે છે વલણ
એય, બીજાનાં વલણને જાણવા નીકળી પડે !

જે બળે છે બહાર-ભીતર બેય રીતે દ્વેષથી
એજ, ઈર્ષાવશ બધાને બાળવા નીકળી પડે

કોઇના કહેવા ન કહેવાથી બને નહીં કંઇ, છતાં
છે ઘણાં એવાય, જે યશ ખાટવા નીકળી પડે !

જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે
તોય ખુદને, ફૂલથી સરખાવવા નીકળી પડે

ભૂખ અઢળક કીર્તિની સારી નથી હોતી “મહેશ”
એ, ગમે ત્યારે ગમે તે પામવા નીકળી પડે !!

 

ડૉ.મહેશ રાવલ