આપણે બસ આપણામાં રત રહ્યાં
ધૂંધવાતા તાપણામાં રત રહ્યાં
કોઇવેળા ભાનમાં આવ્યા હશું
મોટેભાગે, ધારણામાં રત રહ્યાં !
કંઇ રહ્યું નહીં પર્વ જેવું ,છેવટે
પાછલા સંભારણામાં રત રહ્યાં
જેટલું ભરતા ગયા- ખાલી થયું
છિદ્રશાળી ઠામણામાં રત રહ્યાં !
ભૂલમાંથી કોઇ કંઇ શીખ્યું જ નહીં
વળ ચડેલા તાંતણામાં રત રહ્યાં !
એક આંખે આંસુ, બીજીમાં હરખ
કેટલાં નોંખાપણામાં રત રહ્યાં !
જિંદગી કહી મોતને જીવ્યા કર્યું
શ્વાસનાં હોવાપણામાં રત રહ્યાં
ડૉ. મહેશ રાવલ

જિંદગી કહી મોતને જીવ્યા કર્યું
શ્વાસનાં હોવાપણામાં રત રહ્યાં.
.. સુંદર.
વાહ!
કંઇ રહ્યું નહીં પર્વ જેવું ,છેવટે
પાછલા સંભારણામાં રત રહ્યાં
સરસ રચના!
બહુ સરસ..ગમ્યુ…લખતા રેહજો
જયનાથ સિસોદિયા
આપણે બસ આપણામાં રત રહ્યાં
ધૂંધવાતા તાપણામાં રત રહ્યાં
કોઇવેળા ભાનમાં આવ્યા હશું
મોટેભાગે, ધારણામાં રત રહ્યાં !
સ રસ
ધારણાના દેશમાં ધ્યેય વિષયક પ્રત્યયની જે એકતાનતા તે ધ્યાન છે.પ્રત્યય એટલે ધ્યેય વસ્તુને આલંબન કરનાર જે વૃત્તિ તેની એકાગ્રતા, ધ્યાન, ધારણા અને સમાધિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં પ્રો. કણિયાએ ‘પાતંજલ યોગદર્શનમ્’ના ગુજરાતી ભાષાંતરમાં દર્શાવ્યું છે કે, ‘ધ્યેય વસ્તુમાં અંતરાય સહિત એકાકર વૃત્તિનો પ્રવાહ થવો તે ધ્યાન છે. ધારણમાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી ધ્યેય વસ્તુનું સ્વરૃપ રચવામાં આવે છે. એ સિદ્ધ થવાથી તે વસ્તુમાં જે વૃત્તિનો એકાકાર પ્રવાહ ચાલે છે તે ધ્યાન છે. ધ્યાનમાં એ પ્રવાહ વિચ્છેદવાળો હોય છે. એ વિચ્છેદ દૂર થવાથી જ્યારે અવિચ્છિન્ન પ્રવાહ સતતરૃપે ચાલ્યા કરે છે ત્યારે તે સમાધિ કહેવાય છે.’
મહેશભાઈ સુંદર ગઝલ!
આ બે શેર ગમી ગયાં
આપણે બસ આપણામાં રત રહ્યાં
ધૂંધવાતા તાપણામાં રત રહ્યાં
કોઇવેળા ભાનમાં આવ્યા હશું
મોટેભાગે, ધારણામાં રત રહ્યાં !
આપણા અને તાપણાં પછી કાફિયાનો આધાર વધુ પડતો ચુસ્ત (આપણા) થઈ જાય છે જે આગળ સચવાતો નથી. બીજો મત્લો “અણા” આધાર લઈને લખી શકાય તો વિચારજો!
આ શેર વિશે થોડુંકઃ
જેટલું ભરતા ગયા- ખાલી થયું
છિદ્રશાળી ઠામણામાં રત રહ્યાં !
–> આ શેરમાં મને બે જગ્યાએ વિચારવા જેવું લાગે છે.
૧) છિદ્રશાળી કરતાં છિદ્રવાળા વધુ યોગ્ય લાગશે. શાળી પ્રત્યય વિશે ગુજરાતી લેક્સિકોન પર લખેલું છે કેઃ નામને અંતે લાગતાં, ‘વાળું’ અર્થ બતાવે છે: પ્રભાવશાળી
મોટેભાગે આપણે વિધાયક શબ્દોની સાથે જ શાળી જોડીએ છીએ. પુણ્યશાળી (પાપશાળી ભાગ્યેજ સાંભળવા મળે), શક્તિશાળી (અશક્તિશાળી નથી વપરાતું), બુદ્ધિશાળી વગેરે…..
આ શેરમાં છિદ્ર ને થોડો નેગેટીવ રંગ છે ત્યારે શાળી પ્રત્યયથી દૂર રહી શકાય તો સારું.
૨) મને એમ લાગ્યું કે અર્થ ત્યારે જ યોગ્ય રીતે સમજાય છે જ્યારે અહીં કૌંસમાં મૂક્યા છે એ શબ્દો વાપરીએ.
જેટલું ભરતા ગયા- ખાલી થયું
છિદ્રવાળા ઠામણા (ને ભરવા) માં રત રહ્યાં !
“ઠામણામાં રત રહેવું”નો બીજો સંદર્ભ મને સમજાયો નહીં. જો આ જ અર્થ અભિપ્રેત હોય તો “ને ભરવા”નો અદ્યાહાર થોડો કઠે છે.
પુનઃ અભિનંદન
ભૂલમાંથી કોઇ કંઇ શીખ્યું જ નહીં
વળ ચડેલા તાંતણામાં રત રહ્યાં !
સરસ રચના.
દરેકના જીવનની હકીકતને સચોટ દર્શાવી હોય તેમ લાગે છે.
das.desais.net
હેમંતભાઈ,
સ-રસ પ્રતિભાવ ગમ્યો.
છિદ્રશાળી અહીં વ્યંગમાં મૂક્યો છે (અને ભાગ્યશાળી,પુણ્યશાળીમાં જે અર્થ નિપજે છે એજ ભાવ અહીં કટાક્ષના ભાવમાં મૂકવાનો ઉપક્રમ છે)
ઠામણા(ને ભરવા)નો જ સંદર્ભ છે.
તમારી વાત સાચી છે.
આભાર.
ડૉ.મહેશભાઈ
વિષયને સરસ એક ઓપ આપી ગઝલ નીખારવામાં
શ્રી મહેશભાઈનો એક પોતીકો અંદાજ સૌને પ્રભાવિત
કરી જાય છે. ગઝલને માણવી ગમી.
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
બધા શેર ગમ્યા. હેમન્તભાઇની ચર્ચા પણ ગમી.
ગઝલ ગમી.ચર્ચા જરુરી લાગી…
એક આંખે આંસુ, બીજીમાં હરખ
કેટલાં નોંખાપણામાં રત રહ્યાં ….
ખુબ જ સરસ ગઝલ …અને હેમંતભાઇની ચર્ચા પણ ઉપયોગી થૈ
મહેશ ભાઇ
હંમેશની જેમ તમારી ગઝલ ફીલોસોફીથી ભરપુર છે. માનવીય નબળાઇઓ અને તેમાં જ બધા જવાબો. ખુબ જ સરસ.
ડૉ. મહેશભાઈ,
તમારી આ ગઝલ રચના ગમી, ખાશ તો,
કોઇવેળા ભાનમાં આવ્યા હશું
મોટેભાગે, ધારણામાં રત રહ્યાં !
પંક્તિઓ ખૂબજ સરસ છે.
-”સાજ” મેવાડા
ગઝલ ગમી અને હેમંતની ટીપ્પણી પણ ગમી.