RSS

એક ક્ષણ આપો મને !

02 Aug

સીધી સરળ નિઃસ્વાર્થ ગોઠવણ....પ્રેમ સિવાય શું હોઈ શકે....!

આઠે’ પ્રહર બસ પ્રેમનું વાતાવરણ આપો મને
મમળાવતાં જીવું-મરૂં, એ સાંભરણ આપો મને

જેનાં ખભે માથું મૂકી  બે આંસુઓ  સારી શકું
આ ભીડ વચ્ચેથી અસલ, એકાદ જણ આપો મને

રાખો તમે આંટી-ઘૂંટી આ નામ ‘ને સંબંધની
સીધી સરળ નિઃસ્વાર્થ હો, એ ગોઠવણ આપો મને

તરસી રહ્યો છું આજપણ બેફામ હું  જેનાં વગર
આપી શકો તો લાગણીનું વિસ્તરણ આપો મને

ભૂલી જવાતું હોય છે સઘળું, સમય વિત્યા પછી
રહે યાદ એ, હેતાળવું નામક્કરણ આપો મને

ફાવી ગયું છે જીવવાનું આમ,ખુલ્લેઆમ બસ
હું ક્યાં કહું છું કોઇને કે, આવરણ આપો મને !

કોને ખબર કઇ ક્ષણ ગણાશે આખરી,આગળ જતાં
મારાવલી લાગે મને ,એ એક ક્ષણ આપો મને !


છંદવિધાનઃ રજઝ ૨૮
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

મિત્રો!
આ ગઝલ મારા સ્વરમાં સાંભળવા, બ્લોગના
હોમપેઈજ પર SHABDASWAR પર ક્લિક કરો

ડૉ. મહેશ રાવલ


 
11 Comments

Posted by on August 2, 2010 in my gazal

 

11 Responses to એક ક્ષણ આપો મને !

 1. pragnaju

  August 3, 2010 at 6:40 am

  ફાવી ગયું છે જીવવાનું આમ,ખુલ્લેઆમ બસ
  હું ક્યાં કહું છું કોઇને કે, આવરણ આપો મને !

  કોને ખબર કઇ ક્ષણ ગણાશે આખરી,આગળ જતાં
  મારાવલી લાગે મને ,એ એક ક્ષણ આપો મને !
  વાહ
  છંદ- રજઝ – જેમાં ગાગાલગા ના ચાર ગણીય આવર્તનો છે.
  મુસ.તફ.ઇ.લુન = મૂળ ગણ = ૨+૨+૧+૨ = ગાગાલગા.
  એક પંક્તિમાં ૭ ગુણ્યા ૪ = ૨૮ માત્રાઓ હોય છે, અને આખો
  શેર ૫૮ માત્રાઓનો હોય છે.
  સાથે આવું મમળાવીએ તો વધુ મઝા આવે
  ગયે વર્ષે આ રીતે આમંત્રણ આપ્યું ત્યારે …”
  એ એક ક્ષણ આપો મને ! ગઝલ માણવાની મળશે તેવી કલ્પના ન હતી!

  ” તમારી એક ક્ષણ અમને આપો
  ગતિ થી પ્રગતિ-વેગ થી પ્રવેગની
  આ વેગસભર જીવન સફરમા
  આવેગભેર ડગ માંડતા માંડતા
  તમારી એક ક્ષણ અમને આપો

  મેળવેલી નાની-મૉટી સાચી ખોટી સફળતાઓ
  સફળતાઓની સંગતમાં-રંગતમાં-અંગતમા
  તમે.
  તમે અમારા મિત્ર,સૃહદ,સંબંધી,સાથી,સંગાથી
  સખા,સહિયર,સહાધ્યાયી,સહ પ્રવાસી
  અને એથી વધુ સહભાગી
  અમારા સુખદુ;ખના,
  એટલે જ
  લગ્ન જીવનના બાવનમાં વર્ષે,
  પ્રસન્ન દાંપત્ય જીવનની ઉજવણી માટે
  તમારી એક ક્ષણ આપો

  (ખાલી હાથ છલોછલ લાગણી એજ અમારી માંગણી)
  તારીખઃ આઠમી ડીસેંબર, બે હજાર નવ
  સ્થળ-નીરવ રવે સહજ ભાવોના દ્યોતક

   
 2. Daxesh Contractor

  August 3, 2010 at 7:06 am

  જેનાં ખભે માથું મૂકી બે આંસુઓ સારી શકું
  આ ભીડ વચ્ચેથી અસલ, એકાદ જણ આપો મને

  સુન્દર..

   
 3. sudhir patel

  August 3, 2010 at 7:48 am

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

   
 4. devika dhruva

  August 3, 2010 at 9:52 am

  મહેશભાઈ, શબ્દ અને સ્વરનો અદભૂત સમન્વય..બંને સુંદર..

   
 5. P Shah

  August 3, 2010 at 9:10 pm

  સુંદર ગઝલ !

  રજઝમાં ખૂબીપૂર્વક ગઝલ લખાઈ છે.

  અભિનંદન !

   
 6. jjugalkishor

  August 4, 2010 at 11:59 pm

  મહેશભાઈ,

  નામકરણ અને નામક્ક્રર(ણ) શબ્દો છેતરી જનારા છે !!

  નામક્કર જવું એટલે બોલીને ફરી જવું એમ થાય. તેની પાછળ ણ લગાડીએ તો ?!

  એની જગ્યાએ –

  “રહે યાદ કાયમ એવું હેતલ નામ પણ આપો મને”
  એમ કરી શકાય ?

  બાકી ગઝલ તો તમારા ટેરવાંની છાપ લઈને જ –રાબેતા મુજબ – મસ્ત જ રહી છે.

   
 7. Heena Parekh

  August 5, 2010 at 12:03 am

  જેનાં ખભે માથું મૂકી બે આંસુઓ સારી શકું
  આ ભીડ વચ્ચેથી અસલ, એકાદ જણ આપો મને….

  અને
  તરસી રહ્યો છું આજપણ બેફામ હું જેનાં વગર
  આપી શકો તો લાગણીનું વિસ્તરણ આપો મને…

  આ બન્ને શેર ખૂબ ગમ્યા. અભિનંદન.

   
 8. Neela

  August 5, 2010 at 3:52 am

  સરસ ગઝલ છે.

   
 9. pratik shah

  December 12, 2010 at 12:16 pm

  ખુબ જ સરસ્

   
 10. PREMJI BHANUSHALI

  June 6, 2011 at 9:04 am

  રાખો તમે આંટી-ઘૂંટી આ નામ ‘ને સંબંધની
  સીધી સરળ નિઃસ્વાર્થ હો, એ ગોઠવણ આપો મને

  મહેશભાઈ ખુબ સરસ.
  સીધી સરળ નિઃસ્વાર્થ પણ એની ગોઠવણ કેવી રીતે હોય.

  લખતા રહેજો સાહેબ.

   
 11. kaushik patel

  May 6, 2012 at 2:49 pm

  I have no words to express my emotions after listening to this gazal. We all need a strong shouder to shed our tears of sorrow.

  Only lucky ones find it.God bless you all.

  kaushik with lot of thanks.

   

Leave a Reply

Your email address will not be published.