RSS

કેમ લાગે છે…!

03 Jan
વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે...!

વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે…!

 

ધરમ કરતાં પડેલી ધાડ જેવું કેમ લાગે છે
મને અંગતપણામાં, આડ જેવું કેમ લાગે છે !

ગળે બાંધી ફરૂં છું લાગણીનાં કૈંક ટહુકા,પણ
હ્રદયનાં એક ખૂણે રાડ જેવું કેમ લાગે છે

મળે છે આજ લોકો, એમ ઘરનાં પણ નથી મળતા
ચણાતી આડકતરી વાડ જેવું કેમ લાગે છે !

ઘરોબો હોય ઘર જેવો છતાં સંબંધ તૂટે તો
કપાતી ઓળખીતી નાડ જેવું કેમ લાગે છે

નથી સ્વીકારતા સામર્થ્ય, એ બિરદાવવા આવ્યા
મને એમાં પરાણે પાડ જેવું કેમ લાગે છે !

પ્રસંગે પારકાની જેમ વર્તે કોઇ ઘરનાં, તો
વકરતી હો જૂની તીરાડ જેવું કેમ લાગે છે

ઉઘાડું, સ્પષ્ટ, લીલુંછમ્મ છે અસ્તિત્વ મારૂં,પણ
વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે !

 

 

ડૉ.મહેશ રાવલ

 
7 Comments

Posted by on January 3, 2014 in my gazal

 

7 Responses to કેમ લાગે છે…!

  1. અશોક જાની 'આનંદ'

    January 3, 2014 at 10:11 pm

    ગળે બાંધી ફરૂં છું લાગણીનાં કૈંક ટહુકા,પણ
    હ્રદયનાં એક ખૂણે રાડ જેવું કેમ લાગે છે…વાહ…!!

    આ ગઝલની ઘણી બધી અભિવ્યક્તિ મને પોતીકી ‘લાગે છે’….ખુબ સુંદર ગઝ્લ……

     
  2. Kirtikant Purohit

    January 3, 2014 at 11:36 pm

    ઉઘાડું, સ્પષ્ટ, લીલુંછમ્મ છે અસ્તિત્વ મારૂં,પણ
    વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે !

    મત્લામાં કહેવતનો ઉપયોગ કર્યો છતાં એને સાની મિસરાએ સરસ ઉપાડી લીધો છે.
    એક ઊંડું આક્રન્દ મક્તામાં રાડ પાડી દેતું વરતાય છે. જીવનનો ઉઘાડો ચિતાર બધા કાફિયાને સરસ રીતે ન્યાય આપી રચ્યો છે તે માટે અભિનંદન.

     
  3. MANHAR M.MODY ('MANN' PALANPURI)

    January 4, 2014 at 9:34 pm

    વાહ મહેશભાઈ, સંબંધોની વાત બહુ સરસ રીતે આલેખી છે બધા જ શેર અર્થપૂર્ણ.
    આ શેર ખાસ સ્પર્શી ગયો.

    નથી સ્વીકારતા સામર્થ્ય, એ બિરદાવવા આવ્યા
    મને એમાં પરાણે પાડ જેવું કેમ લાગે છે !

     
  4. સુનીલ શાહ

    January 5, 2014 at 5:05 am

    રદીફને સરસ રીતે ન્યાય આપતી સશક્ત અભિવ્યક્તિ.
    ઉઘાડું,સ્પષ્ટ,લીલુંછમ્મ છે અસ્તિત્વ મારૂં,પણ
    વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે !

    વાહ….!

     
  5. venunad

    January 6, 2014 at 7:01 am

    ગમી, ખૂબજ ગમી તમારી આ ગઝલ, અભિનંદન!

     
  6. Daxesh Contractor

    January 9, 2014 at 10:49 pm

    સરસ સંવેદનો લઈને આવેલી આખીય ગઝલ મજાની ..
    ભીતરમાં ઝાંખવા મજબૂર કરતો આ શેર ખાસ ગમ્યો

    ઉઘાડું, સ્પષ્ટ, લીલુંછમ્મ છે અસ્તિત્વ મારૂં,પણ
    વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે !

     
  7. Pravin Shah

    January 14, 2014 at 11:29 pm

    અંગત બાબતોમાં હંમેશા આડ જેવું લાગતું હોય છે-
    ખૂબ સુંદર અભિવ્યક્તિથી સજ્જ વાંચતા જ ગમી જાય તેવી
    સશક્ત ગઝલ ! અભિનંદન !

     

Leave a Reply

Your email address will not be published.