RSS

પ્રશ્ન-ઉત્તર બેય છે…

29 Mar
પોત ને  નવરંગ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે...

પોત ને નવરંગ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે…

 

અંત ને આરંભ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે
સંગ ને સત્સંગ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે

કંઇક તો હોતું હશે જે સાંકળે બન્નેયને
તૂટવું ને તંત વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે

આ તરફ માયા મમત પેલી તરફ છે ત્યાગ,પણ
આપણાં ને સંત વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે !

એ અલગ છે કે સતત પડકાર જેવું છે છતાં
આભ ને વિહંગ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે

આયખું ઓછું પડે બન્નેય પારખવા જતાં
પાત્રતા ને દંભ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે !

છેતરે છે રંગની ભ્રમણા બધાને,આમ તો
પોત ને નવરંગ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે

શસ્ત્ર કરતાં આજની અનિવાર્યતા છે શાસ્ત્રની
શાંતિ ને આ જંગ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે !

 

 

ડૉ.મહેશ રાવલ

 

 
8 Comments

Posted by on March 29, 2014 in my gazal

 

8 Responses to પ્રશ્ન-ઉત્તર બેય છે…

  1. sapana

    March 29, 2014 at 11:59 pm

    સરસ ગઝલ,રદિફ કાફિયા બન્ને નવતર લાગ્યા..
    સપના

     
  2. સુનીલ શાહ

    March 30, 2014 at 12:19 am

    શસ્ત્ર કરતાં આજની અનિવાર્યતા છે શાસ્ત્રની
    શાંતિ ને આ જંગ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે !
    સાદ્યંત સુંદર ગઝલ….

     
  3. Pancham Shukla

    March 30, 2014 at 3:05 am

    સબળ રદીફ પાસેથી સતરંગી કામ કઢાવ્યું છે.

     
  4. Dr P A Mevada

    March 30, 2014 at 4:42 am

    વાહ, ફરીથી સુંદર ગઝલ વાંચવા મળી.
    “આયખું ઓછું પડે બન્નેય પારખવા જતાં
    પાત્રતા ને દંભ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે !”

     
  5. Daxesh Contractor

    March 30, 2014 at 6:33 pm

    આ તરફ માયા મમત પેલી તરફ છે ત્યાગ,પણ
    આપણાં ને સંત વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે !

    વાહ મહેશભાઈ, સુંદર ગઝલ .. તમારી ગઝલોમાં રદીફનું નાવિન્ય હંમેશા ધ્યાનાકર્ષક હોય છે.

     
  6. અશોક જાની 'આનંદ'

    March 30, 2014 at 10:16 pm

    કંઇક તો હોતું હશે જે સાંકળે બન્નેયને
    તૂટવું ને તંત વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે…..વાહ.

    નખશિખ સુંદર ગઝલનો વધારે ગમેલો શે’ર…..

     
  7. Pravin Shah

    March 31, 2014 at 12:39 am

    તૂટવું ને તંત વચ્ચે પ્રશ્ન-ઉત્તર…..
    ખૂબ સુંદર ગઝલ ! નવતર રદીફને સુંદર રીતે વણી લેવાયો છે.
    અભિનંદન !

     
  8. Kirtikant Purohit

    April 6, 2014 at 12:40 am

    એ અલગ છે કે સતત પડકાર જેવું છે છતાં
    આભ ને વિહંગ વચ્ચે પ્રશ્ન-ઉત્તર બેય છે

    બધા જ શેર ઉત્તમ અને અસરકારક.

     

Leave a Reply

Your email address will not be published.