RSS

સહેલું નથી,પણ શક્ય છે !

30 Apr
મન ઉઘાડું હોય તો અજવાળશે ભીતરસુધી...

મન ઉઘાડું હોય તો અજવાળશે ભીતરસુધી…

 

જલકમલવત થઇ જવું સહેલું નથી,પણ શક્ય છે
મેળવીને ત્યાગવું સહેલું નથી,પણ શક્ય છે !

મન ઉઘાડું હોય તો અજવાળશે ભીતરસુધી
એટલું સધ્ધર થવું સહેલું નથી,પણ શક્ય છે

હાથમાંથી જાય પણ, કંઇ ભાગ્યમાંથી જાય નહીં
સત્ય એ સ્વીકારવું સહેલું નથી,પણ શક્ય છે

કંઇકને લથડી જતાં જોયા છે, જઇને ટોચ પર
સંતુલન ત્યાં રાખવું સહેલું નથી,પણ શક્ય છે

નામ જેમજ રૂપ ઈશ્વરનાં હજારો છે, છતાં
રૂપ એનું જાણવું સહેલું નથી,પણ શક્ય છે

ભીંત જેવા હોય એને બારણું શું ? બારી શું ?
પાત્રતાને પામવું સહેલું નથી,પણ શક્ય છે

અંતને આરંભ ગણવામાં જ ડા’પણ છે “મહેશ”
આયખું અજવાળવું સહેલું નથી,પણ શક્ય છે

 

ડૉ.મહેશ રાવલ

 

 
12 Comments

Posted by on April 30, 2014 in my gazal

 

12 Responses to સહેલું નથી,પણ શક્ય છે !

  1. Anil Chavda

    May 1, 2014 at 2:00 am

    સહેલું નથી,પણ શક્ય છે

    જેવી અઘરી રદીફને આપે સરસ રીતે મૂકી આપી છે…

     
  2. Vijay Shah

    May 1, 2014 at 4:43 am

    બહુ સરળ શબ્દોમાં આધ્યાત્મજ્ઞાન નો ખજાનો ભરી દીધો ડૉક્ટરસાહેબ…

    મને જે વધુ ગમ્યા તે શેર છે,

    જલકમલવત થઇ જવું સહેલું નથી,પણ શક્ય છે
    મેળવીને ત્યાગવું સહેલું નથી,પણ શક્ય છે !

    હાથમાંથી જાય પણ, કંઇ ભાગ્યમાંથી જાય નહીં
    સત્ય એ સ્વીકારવું સહેલું નથી,પણ શક્ય છે

    અને શ્રેષ્ઠ તો છે

    અંતને આરંભ ગણવામાં જ ડા’પણ છે “મહેશ”
    આયખું અજવાળવું સહેલું નથી,પણ શક્ય છે

    સલામ તમારા કવિ કર્મને…!

     
  3. સુનીલ શાહ

    May 1, 2014 at 8:26 am

    સહેલું નથી,પણ શક્ય છે…એવા હકારાત્મક અને પ્રેરણાદાયી અભિગમનો સંદેશ આપતી સુંદર ગઝલ
    ભીંત જેવા હોય એને બારણું શું ? બારી શું ?
    પાત્રતાને પામવું સહેલું નથી,પણ શક્ય છે
    સરસ શેર.

     
  4. Daxesh Contractor

    May 1, 2014 at 8:51 am

    સુન્દર ગઝલ ..સુન્દર મત્લા

     
  5. Devika Dhruva

    May 1, 2014 at 10:22 am

    આશાવાદી સંદેશ, સરસ મત્લા અને મક્તા.. આખી ગઝલ ગમી.

     
  6. DR P A Mevada

    May 1, 2014 at 10:40 am

    ખૂબજ સુંદર અભિગમ દર્શાવતી ગઝલ રચી છે આપે!
    “નામ જેમજ રૂપ ઈશ્વરનાં હજારો છે, છતાં
    રૂપ એનું જાણવું સહેલું નથી,પણ શક્યછે”

     
  7. અશોક જાની 'આનંદ'

    May 1, 2014 at 10:33 pm

    કંઇકને લથડી જતાં જોયા છે, જઇને ટોચ પર
    સંતુલન ત્યાં રાખવું સહેલું નથી,પણ શક્ય છે…વાહ..!!
    અસરકારક રદીફ સાથે મજાની ગઝલ…..!!

     
  8. Pravin Shah

    May 2, 2014 at 2:32 am

    રૂપ એનું જાણવું સહેલું નથી,પણ શક્યછે…….
    સુંદર ગઝલ !
    અભિનંદન, મહેશભાઈ !

     
  9. Kirtikant Purohit

    May 3, 2014 at 12:30 am

    શક્યતાની સુદર વિભાવના વ્યાપક સ્વરૂપે રજુ કરતી મસ્ત ગઝલ.

     
  10. MANHAR M.MODY ('MANN' PALANPURI)

    May 25, 2014 at 3:49 am

    અંતને આરંભ ગણવામાં જ ડા’પણ છે “મહેશ”
    આયખું અજવાળવું સહેલું નથી,પણ શક્ય છે

    સરસ ગઝલ , દીર્ઘ રદીફ યથાર્થપણે નિભાવ્યો છે. વાહ, મહેશભાઈ.

     
  11. Darshana Nadkarni

    May 27, 2014 at 9:08 pm

    અતિ સુન્દર ભાવ અને આલેખન – વાહ…

     
  12. લક્ષ્મી ડોબરિયા

    October 24, 2014 at 10:24 pm

    સહેલું નથી પણ શક્ય છે….! વિષમ પરિસ્થિતિઓ માં શક્યતાને શોધવાની હકારાત્મકતા સ્પર્શી ગઈ. સુંદર અર્થસભર ગઝલ.

     

Leave a Reply

Your email address will not be published.