RSS

નીકળી પડે…!

23 May
જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે

જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે

 

સત્ય જેવા સત્યને,પડકારવા  નીકળી પડે
છાબડું લઇ, સૂર્યને સહુ ઢાંકવા નીકળી પડે !

પ્રશ્ન જેવી શખ્સિયતને ઉત્તરો ગમતાં નથી
એટલે, ટોળે વળી સંતાપવા નીકળી પડે

જે સ્વયં સગવડ ચકાસી રોજ બદલે છે વલણ
એય, બીજાનાં વલણને જાણવા નીકળી પડે !

જે બળે છે બહાર-ભીતર બેય રીતે દ્વેષથી
એજ, ઈર્ષાવશ બધાને બાળવા નીકળી પડે

કોઇના કહેવા ન કહેવાથી બને નહીં કંઇ, છતાં
છે ઘણાં એવાય, જે યશ ખાટવા નીકળી પડે !

જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે
તોય ખુદને, ફૂલથી સરખાવવા નીકળી પડે

ભૂખ અઢળક કીર્તિની સારી નથી હોતી “મહેશ”
એ, ગમે ત્યારે ગમે તે પામવા નીકળી પડે !!

 

ડૉ.મહેશ રાવલ

 

 
 

11 Responses to નીકળી પડે…!

  1. Valibhai Musa

    May 24, 2014 at 1:14 am

    જે બળે છે બહાર-ભીતર બેય રીતે દ્વેષથી
    એ જ, ઈર્ષાવશ બધાંને બાળવા નીકળી પડે !

    વાહ, બહુ સરસ !

    અલ્પાંશે વિરોધાભાસી છતાંય ઈર્ષાની આગને નિંદતી અને તેની પરાકાષ્ઠાને દર્શાવતી એવી ઘટના પણ સંભવી શકે કે જેમાં ઈર્ષાળુ સામેનાનું સુખ ન જીરવાતાં પોતાની જાતને જ ફના કરવા તૈયાર થઈ જાય અને ખુદને જ આગ ચાંપી દે !

     
  2. chiman Patel "chaman'

    May 24, 2014 at 10:07 am

    ગઝલ વાચતાં મે એક શેર પ્રસંદ કરી લીધો પ્રતિભાવમાં ટપકાવવા. ખબર હવે પડી કે વલીભઇ અને મારી પસ્ંદગી સરખી નિકળી.

    વલીભઇને મળવાનો મોકો મળ્યો હ્યુસ્ટનમાં.એકવાર. આ મજાના માણસનો પ્રતિભાવ પણ મજાનો છે, મહેશભાઈ.

    સુંદર ગઝલ.

    ચીમન પટેલ ‘ચમન્’

     
  3. સુનીલ શાહ

    May 24, 2014 at 10:48 am

    અનુભવી અને સશક્ત કલમનો અને, સરેરાશ માણસની મનોવૃત્તિનો સુપેરે પરિચય કરાવતી સુંદર ગઝલ.

     
  4. MANHAR M.MODY ('MANN' PALANPURI)

    May 25, 2014 at 3:53 am

    ભૂખ અઢળક કીર્તિની સારી નથી હોતી “મહેશ”
    એ, ગમે ત્યારે ગમે તે પામવા નીકળી પડે !!

    સરસ અર્થસભર ગઝલ. મક્તા અતિસુંદર

     
  5. Dr P A Mevada

    May 25, 2014 at 9:21 am

    ડૉ.મહેશજી, આપનો દરેક શૅર ઉત્તમ છે. અભિનંદન.
    “જે બળે છે બહાર-ભીતર બેય રીતે દ્વેષથી
    એજ, ઈર્ષાવશ બધાને બાળવા નીકળી પડે”
    વાહ!

     
  6. અશોક જાની 'આનંદ'

    May 26, 2014 at 12:09 am

    નવી રદીફ ‘નીકળી પડે’નું સુપેરે પ્રયોજન સુંદર મત્લા સહીત આખી ગઝલ મસ્ત થઇ છે … વાહ મોજ પડી ….

     
  7. Darshana Nadkarni

    May 27, 2014 at 8:55 pm

    બહુજ સુન્દર ગઝલ……..

     
  8. Kirtikant Purohit

    May 30, 2014 at 12:13 am

    સોર્રી, બહારગામ હતો તેથી મોડો પડ્યો છુઁ. બહુ સરસ ગઝલ.

    ભૂખ અઢળક કીર્તિની સારી નથી હોતી “મહેશ”
    એ, ગમે ત્યારે ગમે તે પામવા નીકળી પડે !

     
  9. P.K.Davda

    June 4, 2014 at 3:54 pm

    સત્ય જેવા સત્યને,પડકારવા નીકળી પડે
    છાબડું લઇ, સૂર્યને સહુ ઢાંકવા નીકળી પડે

    આજે રાજકારણમાં આવું જ થાય છે, ભ્રષ્ટાચારને સમાજના ભલા માટે કરવામાં આવેલા કાર્ય તરીકે ખપાવવાની કોશીશ એટલે સૂર્યને છાબડે ઢાંકવા જેવી વાત જ થઈ.

     
  10. Anonymous

    June 19, 2014 at 4:23 pm

    છાબડું લઇ, સૂર્યને સહુ ઢાંકવા નીકળી પડે
    વાહ્! અતિ સુન્દર રચના વાન્ચિને મન ખુસ થયિ ગયુ.

     
  11. લક્ષ્મી ડોબરિયા

    October 24, 2014 at 10:19 pm

    માણસની સ્ંકુચિત માનસિકતાને સાવ સરળ અને સહજ શબ્દોમાં વ્યક્ત કરવાની આપની હથોટી આ ગઝલમાં ઉપસી આવી છે.

     

Leave a Reply

Your email address will not be published.