RSS

મળવાના તમે,તમને !

14 Jul
હિસાબો માંડશો સંબંધની ઉપલબ્ધિઓનાં, તો.....

હિસાબો માંડશો સંબંધની ઉપલબ્ધિઓનાં, તો…..

 

તમારામાં જ અટવાયેલ મળવાના તમે,તમને
જણસની જેમ જોખાયેલ મળવાના તમે,તમને

મળે એકાંત તો અંદરસુધી ઊતરી જજો મનમાં
ખૂણામાં કયાંક ધરબાયેલ મળવાના તમે,તમને

કરો સરખામણી વીત્યા સમયની આજ સાથે, તો
સ્વભાવે સાવ બદલાયેલ મળવાના તમે,તમને !

હિસાબો માંડશો સંબંધની ઉપલબ્ધિઓનાં, તો
અમસ્તા સાવ ખરપાયેલ મળવાના તમે,તમને

સમય સુખ-દુઃખ વણીને પીરસે છે વ્યંજનો, એમાં
વરખની જેમ વપરાયેલ મળવાના તમે,તમને !

મહત્તા જિંદગીની મૃત્યુવેળાએ જ સમજાશે
અને ત્યારે જ, રૂંધાયેલ મળવાના તમે,તમને !

મલક આખો “મહેશ’ ખૂંદીવળો પણ આખરે જોજો !
કશેક, ઘરમાં જ સચવાયેલ મળવાના તમે,તમને !

 

ડૉ.મહેશ રાવલ

 

 

 
 

11 Responses to મળવાના તમે,તમને !

  1. વિવેક ટેલર

    July 14, 2014 at 2:06 am

    છેલ્લો શેર ખૂબ ગમ્યો….

     
  2. Chiman Patel 'chaman'

    July 14, 2014 at 4:52 am

    ખુબ સુંદર. પહેલી વાર નહીં, પણ વધારે વાર વાંચવી પડે એવી છે તમારી આ ગઝલ. છેલ્લો શેર તો લા-જવાબ.

    ‘ચમન’

     
  3. Kirtikant Purohit

    July 14, 2014 at 8:53 am

    હંમેશ મુજબ બહુજ સરસ ગઝલ અને સુંદર રદીફ. ભાવક,રદીફમાં
    “તમે તમને?” કરે તો વળી નવો ભાવ પ્રગટે..
    વાહ….મહેશભાઈ..

     
  4. jugalkishor

    July 14, 2014 at 9:51 am

    સુદર રચના ! બીજો અને છેલ્લો શેર મજાના !

     
  5. અશોક જાની 'આનંદ'

    July 14, 2014 at 9:50 pm

    રદીફની નવીનતા એ તમારી ખાસિયત બની ગઈ છે, ખુબ શક્યતાવાળી રદીફ અહી સુપેરે પ્રયોજાઈ છે..

    શે’ર બીજો ચોથો અને મક્તા માટે અઢળક અભિનંદન આટલી અર્થગહન વાત બહુ સહજતાથી કહી દીધી તમે…

     
  6. Devika Dhruva

    July 15, 2014 at 6:35 am

    મળવાના તમે તમને…..એક જુદો અને નવો જ રદીફ….

    આખી ગઝલમાં ઊંચી વાત..પણ સૌથી વિશેષ તો ….

    વરખની જેમ વપરાયેલ મળવાના તમે,તમને !

     
  7. સુનીલ શાહ

    July 18, 2014 at 7:32 am

    લા…જવાબ..! આપણે આપણી જાતને મળી શકતા હોત તો….વાત જ કંઈ ઓર હોત..! ખૂબ સુંદર અભિવ્યક્તિ મહેશભાઈ…

     
  8. Darshana V. Nadkarni, Ph.D.

    July 27, 2014 at 2:48 pm

    અતિ સુન્દર – મહત્તા જિંદગીની મૃત્યુવેળાએ જ સમજાશે
    અને ત્યારે જ, રૂંધાયેલ મળવાના તમે,તમને !

     
  9. Sureshkumar G. Vithalani

    August 12, 2014 at 4:17 am

    I have no words to praise adequately this wonderful Gazal…… Many many Congatulations and Thanks to you.

     
  10. લક્ષ્મી ડોબરિયા

    October 24, 2014 at 10:13 pm

    જીવાતી જિંદગીના ઘણાં બધા તથ્યો મળી ગયા… ખૂબ જ સરસ રચના.

     
  11. Pankaj Shah

    November 4, 2014 at 4:41 am

    મળવાના તમે તમને. સાચેજ ખુદ ને મળી ગયા..અ..દ્..ભુ…ત…..

     

Leave a Reply

Your email address will not be published.