RSS

તો, એમને તકલીફ થઇ…!

29 Oct
ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને....

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને….

 

અટક્યાવગર આગળ વધ્યા તો એમને તકલીફ થઇ
સંજોગ સાથે બાખડ્યા તો એમને તકલીફ થઇ !

પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન લઇ ઊભા થયા બે-ખોફ, ‘ને
ઉત્તર બધા ટાંચા પડ્યા તો એમને તકલીફ થઇ

ઘટના જૂની ભૂલી જવાની હોય, એ ભૂલાઇ નહીં
બે-ત્રણ પુરાવા પણ મળ્યા તો એમને તકલીફ થઇ

પડઘાવગરનાં સાદ બહુ કાને નથી પડતાં, છતાં
એ કાન દઇને સાંભળ્યા તો એમને તકલીફ થઇ !

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને
સાચા હતાં સાચા ઠર્યા તો એમને તકલીફ થઇ

અંધારપટને ખાળવા સાહસ કર્યું આખા ઘરે
‘ને ટોડલે દીવા બળ્યા તો એમને તકલીફ થઇ !

સહુનાં થવાની લાહ્યમાં એ થઇ શક્યા નહીં કોઇનાં
અમને, બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઇ !

 

©ડૉ.મહેશ રાવલ

 
6 Comments

Posted by on October 29, 2014 in my gazal

 

6 Responses to તો, એમને તકલીફ થઇ…!

  1. Chiman Patel 'chaman'

    October 29, 2014 at 4:53 am

    નવો વિષય લઈ આવ્યા.
    ચાર શબ્દો અને દશ(૧૦) અક્ષરનો રદિફ લઈ કમાલ કરી છે!ગઝલ ગમી.
    *ચીમન પટેલ ‘ચમન’

     
  2. Chiman Patel 'chaman'

    October 29, 2014 at 4:57 am

    મારા ઉપરના પ્રતિભાવમાં “કાફિયા” ને સુધારી “રદિફ”વાંચવા વિનંતિ.
    “ચમન”

     
  3. અશોક જાની 'આનંદ'

    October 29, 2014 at 8:11 pm

    ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને
    સાચા હતાં સાચા ઠર્યા તો એમને તકલીફ થઇ… ક્યા બાત..!!

    આમ તો આખી ગઝલ મસ્ત, તમારા ટ્રેડમાર્ક જેવી નવી રદીફ અને દરેક શે’રની વિભાવના બધું જ બધું…

     
  4. Kirtikant Purohit

    October 29, 2014 at 10:50 pm

    સહુનાં થવાની લાહ્યમાં એ થઇ શક્યા નહીં કોઇનાં
    અમને, બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઇ !

    મક્તામાં’એમને’ઉઘાડા પાડી તમે ગઝલને સરસ ગરીમા અર્પી. હંમેશ
    મુજબ વળી એક સુંદર ગઝલ.

     
  5. kishoremodi

    November 6, 2014 at 11:23 am

    સાંપ્રત સમયને માટે અનુલક્ષીને કહેવાયેલી ખૂબ જ સુંદર ગઝલ.

     
  6. Ramesh Patel

    January 9, 2015 at 2:12 pm

    ખૂબ જ મજેદાર શેર..આફરિન કરી દીધા.આપનો આગવો કસબ ભૂલાશે નહીં

    રમેશ પટૅલ(આકાશદીપ)

     

Leave a Reply

Your email address will not be published.