RSS

અવસર-અવસર લાગે છે !

07 Jan
 આખે-આખું હોવું  જાણે, અવસર-અવસર લાગે છે !

આખે-આખું હોવું જાણે, અવસર-અવસર લાગે છે !

 

ભીતરનાં  અજવાળે  સઘળું  ઝળહળ-ઝળહળ લાગે છે
આખે-આખું  હોવું  જાણે, અવસર-અવસર  લાગે  છે !

બહુ   વેઠી    મૂલવણી    અંદરખાને     સારા-નરસાની   
સમજાણું  ખુલ્લંખુલ્લા, તો  સમજણ-સમજણ લાગે છે !

વીત્યું  કે વિતાવ્યું  જીવતર, એ  બાબત  સહુની  અંગત
પણ લગભગ આંખોનાં ખૂણે, ગળતર-ગળતર લાગે છે !

ઊઠે પણ જાગે નહીં  એવા અધકચરા નહીં સમજે, પણ
જાગીને  જગ  જોયું  એને, સરભર-સરભર  લાગે  છે !

નિસ્બતનો  સાચો  મતલબ તો, નિસ્બત રાખે એ જાણે
મતલબથી નિસ્બત છે  એને  નડતર-નડતર  લાગે છે !

કેળવવી   પડશે   જાતે,  માંગી  મળશે  નહીં  મક્કમતા
નબળી માનસિક્તાને કાયમ  અવઢવ-અવઢવ લાગે છે !

થકવી  દેશે, સગપણનાં  ભારેખમ  ભારણનું  વળગણ
અંતે   કે’તાં  ફરશો, સાલ્લું   કળતર-કળતર  લાગે  છે !

 

  © ડૉ.મહેશ રાવલ

 
4 Comments

Posted by on January 7, 2016 in my gazal

 

4 Responses to અવસર-અવસર લાગે છે !

  1. Vasant Desai

    January 8, 2016 at 7:13 am

    આટલી સુંદર ગઝલ બદલ ઘણા ઘણા અભિનંદન.

     
  2. Devika Dhruva

    January 8, 2016 at 9:42 am

    વાહ્..વાહ્. આખી ગઝલ ઝળહળ..ઝળહળ..

     
  3. અશોક જાની 'આનંદ'

    January 8, 2016 at 8:38 pm

    ઊઠે પણ જાગે નહીં એવા અધકચરા નહીં સમજે, પણ
    જાગીને જગ જોયું એને, સરભર-સરભર લાગે છે !.. વાહ કવિશ્રી ..

    આમ તો આખે આખી ગઝલ ગમી ગઈ પણ ઉપરોક્ત શે’ર તો શિરમોર.. !!

     
  4. Pravin Shah

    January 20, 2016 at 4:48 am

    હોવું જાણે અવસર…..આ વાત ગમી ગઈ…બેવડાતા રદીફ્માં સુંદર ગઝલ થઈ છે….

     

Leave a Reply

Your email address will not be published.