છેલ્લે જતાં…

રસ્તે ટહેલતા ધ્યાન પડ્યુંને....ક્લિક Fremont,CA

હું મારામાં અટવાયો છેલ્લે જતાં
પડછાંયો થઈ પથરાયો છેલ્લે જતાં

માટી ધોળી પગલા ક્યાં ધોળા હતાં
કેવા રંગે રંગાયો છેલ્લે જતાં ?

કાને-ધ્યાને બહેરો,આંખે આંધળો
તરતો દીવો રઘવાયો છેલ્લે જતાં !

મારે સાબિત કરવાનું માણસપણું
પથ્થર ઈશ્વર લેખાયો છેલ્લે જતાં !

બાંધી મુઠ્ઠી લાખેણી સારી હતી
ખુલતા ભેળો ઢોળાયો છેલ્લે જતાં

પાણી પાછું પાણી થઈ વહેતું રહ્યું
પરપોટો થઈ પંકાયો છેલ્લે જતાં

અવળા-સવળા ટપકા નક્શો ના થયા
અડધો-પડધો સમજાયો છેલ્લે જતાં !

તડકે છાંયો, છાંયે તડકો વિસ્તરે
વચ્ચોવચ હું ઘેરાયો છેલ્લે જતાં

અડવી આંખે આંજ્યા અવસર ટેરવે
કાજળ ભેળો રેલાયો છેલ્લે જતાં !!


છંદઃ ગાગાગાગા ગાગાગાગા ગાલગા

ડૉ.મહેશ રાવલ

15 Comments

15 Responses to “છેલ્લે જતાં…”

  1. chetu says:

    સરસ રચના …

    માનવ જન્મના કૈક ઉંડા મર્મ સમજાયા ગઝલ વાંચાવા જતા…!!!

  2. સુંદર ગઝલ. દરેક શેરમાં ઉંડાણ અને તાજગી છે.

    પહેલા તમારો ગમતો છંદ માનીને જ પઠન કરી ગયો પણ જામ્યું નહિ…..પણ પછી નીચે સાચો અને આપને અભિપ્રેત છંદ જોયો અને ફરી પઠન કર્યુ ત્યારે આખી ગઝલ અદ્ ભૂત રીતે ખૂલી. છંદમા વાંચવા ટેવાયલાં આંખ અને મનની આ ખૂબી ગણો તો ખૂબી ને ખામી ગણો ખામી.

  3. ‘રસ્તે ટહેલતાં ધ્યાન પડ્યુંને..
    ને ઝડપાયુ છેલ્લે જતાં…”
    ગઝલનાવિષયને યોગ્ય તસવીર-સુંદર તસવીર !

    છેલ્લો શેર મને બહુ જ ગમ્યો.

  4. વાહ…મહેશભાઈ
    ‘છેલ્લે જતાં’ રદીફ સાથે જીવનની અંતિમ ક્ષણોની મનોવેદના સરસ રીતે અભિવ્યક્ત થઈ છે…અભિનંદન.

  5. Rajul Shah says:

    ખૂબ સરસ રચના.

  6. અદભુત રચના ઈશ્વર તમારેી પાસે હજુ વધારે ને વધારે કાવ્યો -ગઝલ લખાવે
    એવા આશિસ –Dr Sedani

  7. મારે સાબિત કરવાનું માણસપણું
    પથ્થર ઈશ્વર લેખાયો છેલ્લે જતાં !

    good one.

  8. બે અષ્ટકલના આવર્તન અને એક પંચકલના આવર્તન ગળે ઉતર્યા નહીં… પંચમભાઈની જેમ જ મને પણ છંદોવિધાન વાંચ્યા પહેલાં તકલીફ પડી…

    પ્રશ્ન એ ઊઠે છે કે કવિ કોઈ પણ પ્રમાણભૂત અરકાનને મન-મરજીથી ગોઠવી નવો છંદ બનાવી શકે ખરો? ઘણા કવિઓ આ રીતે અરુઢ કહી શકાય એવું કામ કરતાં નજરે ચડે છે… મારો પ્રશ્ન મહેશભાઈની ગઝલ પૂરતો જ સીમિત નથી…

    છંદ એટલે મારી દૃષ્ટિએ કવિતામાં રહેલો લય… છૂપું સંગીત… આ પ્રકારના છંદોવિધાનમાં ગેયતાનો ભંગ થતો ભાસે છે… કોઈ જાણતલ માણસ પ્રકાશ પાડી શક્શે ખરો?

  9. અડવી આંખે આંજ્યા અવસર ટેરવે
    કાજળ ભેળો રેલાયો છેલ્લે જતાં !!
    વાહ ડો. મહેશભાઈ, કહેવાની રીત કહેવી પડે હાં!!
    ‘સાજ’ મેવાડા

  10. મહેશભાઇ…આમ તો વિવેકભાઇ ની વાત ઠીક છે પણ છંદ માં તો કહેવાય પણ ગેય માં નથી જ જોકે એ ગમે તે હોય વાત ટીકાની નથી પરંતુ સરળ છંદની અભિવ્યક્તી કૈક ઓર જ હોય છે તેમ મારુ માનવું છે બાકી ગઝલ મહેશભાઇની કોઇ પણ હોય કૈક હાર્દ સાથે મઝા આવે છે….લગે રહો મહેશભાઇ

  11. P Shah says:

    વાહ ! સરસ ગઝલ લઈ આવ્યા આજે !
    ગઝલના પારંપરિક છંદથી હટકે અન્ય છંદમાં ગઝલ વાંચવામાં આવે છે ત્યારે
    મનને ચોક્કસ કઠે છે પરંતુ કવિ હૃદયની વાત કરીએ તો જ્યારે અકસ્માત કોઈ શેર લખાઈ જાય છે ત્યારે એ શેર મનને ખૂબ જ ગમી જાય છે અને પછી તો આગળ શેર
    પર શેર લખાતા જ જાય છે અને અંતે આખી ગઝલ પૂરી થાય છે. દરમિયાન છંદ વિશે વિચારવાનું પણ બાજુ પર રહી જાય છે. હવે જો કવિ છંદ વિશે વિચારવા બેસે તો તો શબ્દોને તોડવા-મરોડવા પડે.
    આ કેટલું યોગ્ય થશે!

  12. આ વિષે વિવેકભાઈ સાથે ઈમેલ પર તો બહુ પહેલા ચર્ચા થઈ ચૂકી છે પણ વાચકોના લાભાર્થે ફરી માંડણી કરું છું.

    વિ-
    પ્રશ્ન એ ઊઠે છે કે કવિ કોઈ પણ પ્રમાણભૂત અરકાનને મન-મરજીથી ગોઠવી નવો છંદ બનાવી શકે ખરો?

    પં-
    હા ચોક્ક્સ વળી. હું પોતે અરૂઢ છંદો વાપરું છું એટલે નહિ પણ કવિતાના કુદરતી ઉદ્ભભવનીજ વાત કરીએ તો પણ કવિના આ અધિકાર (ના, સહજ ચેષ્ટા) વિષે આ સદીમાં કોઈને પણ આ પ્રશ્ન નડવો જોઈએ નહિ. કવિતા મૂલતઃ સ્વતંત્ર અભિવ્યક્તિ અને સર્જનાત્મકતાનો વિષય છે.

    વિ-
    છંદ એટલે મારી દૃષ્ટિએ કવિતામાં રહેલો લય… છૂપું સંગીત… આ પ્રકારના છંદોવિધાનમાં ગેયતાનો ભંગ થતો ભાસે છે… કોઈ જાણતલ માણસ પ્રકાશ પાડી શક્શે ખરો?

    પં-
    હા, છંદ પઠનમાં પડતી તકલીફ એ છંદમા વાંચવા ટેવાયલાં આંખ અને મનની ખૂબી કે ખામી જ ગણી શકાય એનો સીધો અને સરળ ઉપાય છે સંસ્કૃત વુત્તોની જેમ છંદનું નામ કે છંદોવિધાન આપવાનું. શકય હોય તો ઑડિયો પઠન મૂકી વાચકને નવા છંદોલયતથી અવગત કરાવવાનો.

    કેટલા કવિઓ શિખરિણી અને મંદાક્રાંતાની જેમ હરિણીનું સ્વાભાવિક પઠન કરી શકશે? રણ-પિંગળ અને અરબી ફારસી અરૂઝ તો હજારોની સંખ્યામાં છંદોની શક્ય ગોઠવણીઓની વાત કહે જ છે. મૂળમાં છંદ અને સંગીતનો અભ્યાસ અને સ્વાધ્યાય જ શ્રેયકર છે.

    એક ઉદાહરણ-
    http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&sitem=%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF&type=1&dict=2&page=0&p=1

    અરૂઢ છંદની ગેયતા એ બહુ અભ્યાસનો વિષય છે. કવિનું કાવ્યરચનાની સંવેદના ઝિલતું પઠન ઘણુંખરું આ મુદ્દો સુલઝાવી આપનારો હોય છે. જોકે સારા ગાયકોને અછાંદસને પણ ગાઈ શકે એવું મારું માનવુ છે. કોકને એકાદ ઉદાહરણ પણ ક્યાંકથી જરૂર મળી રહેશે.

  13. ગઝલ અને ચર્ચા બંને મજાનાં. મિત્રોને વિનંતી કે આવી ચર્ચા કરતા રહે જેથી અમારા જેવાને ગઝલ બાબત થોડીક અક્કલ આવે!

  14. nilam doshi says:

    ખૂબ ખૂબ સરસ… મજા આવી માણવાની… દરેક શેર ખૂબ સરસ થયા છે. અભિનંદન…
    મહેશભાઇ…

  15. મજાની ગઝલ થઈ છે!

    મહેશભાઈ આમ તો પરંપરાના સમર્થક છે. મેં એમને જેટલા વાંચ્યા છે, એમાં એમણે અરુઢ છંદોનો ઉપયોગ ક્યારેક જ કરેલ છે.

    અરુઢ છંદો વિશે મારો કોઈ ખાસ વિરોધ નથી, તો હું એમનો સમર્થક પણ નથી. અરુઢ છંદોમાં ઘણીવાર લયને થોડી હાની થાય છે એવું મને લાગે છે. પણ એમ લાગવાનું કારણ આપણે રુઢ છંદોથી ટેવાયેલા છીએ એ પણ હોઈ શકે.

    રુઢ છંદો હજારો વર્ષથી ટકી રહ્યા છે એ જ બતાવે છે કે એમનો લય માનવમનને સહજગ્રાહ્ય અને રંજક છે. ઉદાહરણાર્થ “ગાલગાગા ગાલગાગા ગાલગા”. ઘણા ગુજરાતી ગઝલકારો આ છંદથી શરુઆત કરતા હોય છે. એનો લય સહજ છે અને આપણી ભાષાના શબ્દો એમાં સહજતાથી ગોઠવાય પણ છે. મેં મારી પહેલી છંદબદ્ધ રચના આ છંદમાં જ લખી હતી અને એ વખતે મને છંદો વિશે કોઈ જાણકારી પણ નહોતી. આવું જ એક ઉદાહરણ મેં હમણા જ એક નવા બ્લૉગ પર જોયું. આ જ કારણસર મને રુઢ છંદો પ્રત્યે થોડો પક્ષપાત છે. બાકી અરુઢ છંદોના ઉપયોગ સામે મારો કોઈ ખાસ વિરોધ નથી.

Leave a Reply