આવાગમન…

શ્રી મહાકાળી મંદીર ટેકરી - વાંકાનેર (સૌરાષ્ટ્ર)

ખુદ વિષે ક્યાં ખાતરી આપી શકે ?
માણસો  બસ અન્યને  માપી શકે

ઘર બળે  કે સ્વપ્ન એને શું ફરક ?
લોક કેવળ તાપણું  તાપી શકે

ઘૂંટ કડવા પી ઉછેરે જાત, એ
હર દશાનો  માર  ઘોળી પી શકે

શક્યતા દેખાય જેને  જેટલી
એટલી બસ એ મજલ કાપી શકે !

અંતને આરંભ ગણતાં આવડે
એમનું આવાગમન દીપી શકે


ડૉ. મહેશ રાવલ

18 Comments

18 Responses to “આવાગમન…”

  1. Girish Parikh says:

    અંતને આરંભ ગણતાં આવડે
    એમનું આવાગમન દીપી શકે.

    આપણો મહાકોશ ભગવદ્વોમંડલ (http://www.bhagavadgomandal.com/) ‘આવાગમન’ શબ્દનો અર્થ આપે છેઃ આવવાપણું; પધરામણી.

    ‘આવાગમન’ નામની ડૉ. મહેશ રાવલની ગઝલના આ છેલ્લા શેરે મારી ફેબ્રુઆરી ૨૪, ૧૯૬૭ ના રોજ અમેરિકામાં આવ્યા પછી થોડા મહિનામાં જ શરૂ થયેલ કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ અને સોફ્ટવેર વિશેના મારા અભ્યાસ, કારકિર્દી, અને લેખન, વગેરેનાં વર્ષોનાં કાર્યો નજર સમક્ષ લાવી દીધાં!

    - ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoo.com

  2. સરસ ગઝલ.

  3. nilam doshi says:

    દરેક શેર સરસ..પરંતુ શરૂઆતનો પ્રથમ શેર વધારે ગમી ગયો. ખુદ વિશે ખાતરી આપી શકવાની અસમર્થતા અને છતા અન્યને સતત માપતા રહેવાની..અને તે પણ પોતાના ગજથી….
    સાચી વાત..

    અભિનંદન મહેશભાઇ…

  4. મત્લા અને મક્તાના શેર વિશેષ ગમ્યાં.

  5. Himanshu says:

    આ બે કડી વિશેષ ગમી…

    ખુદ વિષે ક્યાં ખાતરી આપી શકે ?
    માણસો બસ અન્યને માપી શકે

    ઘર બળે કે સ્વપ્ન એને શું ફરક ?
    લોક કેવળ તાપણું તાપી શકે

    મને કોકની એક કડી યાદ આવી ગઈ

    આપણી વ્યથા
    અવરને મન રસની કથા
    ઈતર ને કંઈ તથા …

  6. ખુદ વિષે ક્યાં ખાતરી આપી શકે ?
    માણસો બસ અન્યને માપી શકે
    … ગમ્યું.

  7. સરસ મત્લા સાથે ચાલુ થતી સરસ રચના!

    મત્લામાં કાફિયાનો આધાર “આપી” પ્રસ્થાપિત થયા બાદ એ ત્રીજા અને પાંચમા શેરમાં જળવાતો નથી એમ લાગ્યું. વિવેકભાઈ, પંચમભાઈની કમેન્ટ વાંચવાની ગમશે!

  8. કાફિયા વિશે કંઈ બોલવાની ઇચ્છા થઈ પણ જોયું તો હેમંતભાઈએ એ વાત કરી જ દીધી છે… મત્લામાં કાફિયાનો આધાર ‘આપી’ સ્થાપ્યા પછી બાકીના શેરમાં એ જળવાવો જોઈએ અન્યથા કાફિયાદોષ ગણી શકાય.

  9. ‘આવાગમન; છેલ્લો શેર ખૂબજ ગમ્યો. સરસ ગઝલ છે.
    ‘સાજ’ મેવાડા

  10. મહેશભાઇ….સારી ગઝલ માત્ર…આ કાફીયા જો સુધરેતો …?
    અંતને આરંભ ગણતાં આવડે
    એમનું આવાગમન “દીપી” શકે

  11. Girish Parikh says:

    ‘આવાગમન’ mystical શબ્દ લાગે છે! મને તો આખ્ખી ગઝલ mystical (આધ્યાત્મિક રહસ્ય વાળી) લાગે છે! છેલ્લો શેર તો અંત નહીં પણ આરંભ સમો લાગે છે!

    અંતને આરંભ ગણતાં આવડે
    એમનું આવાગમન દીપી શકે.

    કવિ પુનર્જન્મની વાત કરતા લાગે છે!

    – - ગિરીશ પરીખ

  12. Girish Parikh says:

    ગઝલ છંદ-શાસ્ત્રનો હું નિષ્ણાત નથી, પણ મારી અલ્પ સમજ મુજબ મને તો છેલ્લા શેરમાં ‘દીપી’ સારું લાગે છે. એ શબ્દથી કાવ્ય રસ જળવાય છે.

  13. મહેશભાઈ જેવા અનુભવીએ શરતચૂકમાં કંઈ કાફિયાદોષ ન રહેવા દીધો હોય એ મરમ ગઝલના જાણકાર અને મહેશભાઈના આછાપાતળા પરિચયમાં આવનારને સમજાઈ જાય એવી વાત છે છતાં પણ એ વિશે ધ્યાન દોરી એક વાચક તરીકે જે આ સજ્જતા બતાવે એ પણ ધન્યવાદને પાત્ર છે.

    હેમંતભાઈ સહિત મને બધી જ કમેન્ટ ફરી વાંચવી ગમી. આભાર મહેશભાઈ આવો મુકત વિનિમય મોકળો મૂકવા બદલ. આ રીતે જ આપણે સહુ શિખીએ છીએ અને બને એટલા સભાન અને સતર્ક રહીએ છીએ.

    એક મુકત કંડિકા સાદર…

    માત્ર ઈંટો ગોઠવીને જે બને,
    મજબૂત લાગે, આશરો આપે, છતાં એ ઘર નથી.

  14. આભાર પંચમભાઈ…..
    કાફિયા ન મળ્યા એટલે પી અને દીપી નો આશરો ન્હોતો લીધો…!
    હજુ સ્થાપી,આલાપી અને જાપી જેવા કાફિયા લઈ બીજા શેર ઉમેરી શકું પણ
    મને જે યોગ્ય લાગ્યું એ પ્રસ્તુત કર્યું.
    “છેલ્લે જતાં” ગઝલમાં પણ તર્ક એ હતો કે ગાલગાગા ના બે આવર્તન લઈને ગાલગા જોડી શકાય તો ગાગાગાગા ના બે આવર્તન લઈને ય ગાલગા જોડી શકાય( કે નહીં?).લેવા કરતાં લીધાપછી નિભાવાયા કે નહી એ જોવું જોઈએ!(કે નહિં?)
    બીજું, પ્રતિભાવ માટે મિત્રોને આમંત્રીએ ત્યારે એમના સૂચન કે મતને સન્માનપૂર્વક આવકારવાની ખેલદિલી,એ કૉમેન્ટ વિભાગની પ્રથમ શરત હોવી જોઈએ એવું અંગતરીતે મારૂં માનવું છે
    હા,એ સ્વીકારવા ન સ્વીકારવાનો કવિહક્ક કે વલણ અબાધિત ગણાય (કે નહીં ?)
    ફરીથી,સમગ્ર મામલે મારા અંગે તમે દર્શાવેલ”ભાવ”સાદર સ્વીકૃત જનાબ!

  15. Himanshu says:

    I am only commenting on this here because Maheshbhai asked for my view on કાફિયાદોષ observed by friends Vivek and Hemant in this ghazal.

    I agree with them. Here is why …

    Regardless of what books say, here is my approach is to કાફિયા. By following strict કાફિયા – in this case આપી, માપી, તાપી …, the melody, the rhythm of the ગઝલ – ગેયતા, can be improved.

    I liked the thought process in this ghazal a lot. Keep writing Maheshbhai.

  16. P Shah says:

    સ્વસ્થ ચર્ચામાં રસ પડ્યો અને આનંદ થયો.
    કવિને ધન્યવાદ એક- આવી સુંદર ગઝલ માટે અને
    બે- વાચકો ના પ્રતિભાવો સન્માનપૂર્વક સ્વીકારવા બદલ !

    મારી સમજાસમ મુજબ શેર 2 અને 5 નીચે ફરીથી લખું છું- લખવાનો ગુનો કરું છું-

    હર દશામાં સ્વસ્થતા એને વરે
    જાત કાજે ઘૂંટ કડવા પી શકે

    અંતને આરંભ માને એમનું
    વ્યાપવું આકાશને નાપી શકે

    આભાર સાથે

  17. kankshit says:

    ખુદ વિષે ક્યાં ખાતરી આપી શકે ?
    માણસો બસ અન્યને માપી શકે

    વાહ..

    thanks for inviting me to ur site, its awesome,

    sir, avu saras saras vanchavano chance vadhu ne vadhu apta rehsho evi asha saha..

    best regards,

    kankshit

  18. ૧, ૪, ૫ અશઆર વધારે ગમ્યા. કાફિયા વિશે લખવા માટે કોમેન્ટ વિભાગ ખોલ્યો તો છંદની મજાની ચર્ચા માણવા મળી.

    ખુદ વિષે ક્યાં ખાતરી આપી શકે ?
    માણસો બસ અન્યને માપી શકે

    વાહ… મત્લાનો શે’ર ખૂબ જ સ-રસ થયો છે… પણ કાફિયાદોષથી બચવા કદાચ આવું કરો તો ચાલી શકે ?!!

    ખુદને તો એ ક્યાં કદી તોળી શકે ?
    માણસો બસ અન્યને માપી શકે

    એની વે, ઓવર ઓલ… ગઝલ ઘણી ગમી.

Leave a Reply