હોય છે…!

કાચઘરની માછલી...

જિંદગી થઈ અવતરેલી હોય છે
એ તરસ, છળથી મઢેલી હોય છે

આમ સુક્કા લાગતા પેટાળમાં
કોઇ સરિતા ઊતરેલી હોય છે

છે અજાણ્યું કોણ એ વૈભવ થકી ?
ફળસભર ડાળી નમેલી હોય છે

છે હજૂ આજેય પડછાંયો અજય
કદ મુજબ હદ વિસ્તરેલી હોય છે

નામ આપ્યું હોય ઈચ્છાનું ભલે
પણ,અનિચ્છા વર્ણવેલી હોય છે !

કાચઘરમાં કેદ થઈ જે માછલી
કેટલા દરિયા તરેલી હોય છે !

ધોધ થઈને જે વછૂટે છે ત્વરિત
લાગણી, આથો ચડેલી હોય છે !


છંદવિધાનઃ
ગાલગાગા ગાલગાગા ગાલગા

ડૉ. મહેશ રાવલ

આપણે…રત રહ્યાં !

આપણે બસ આપણામાં રત રહ્યાં
ધૂંધવાતા તાપણામાં રત રહ્યાં

કોઇવેળા ભાનમાં આવ્યા હશું
મોટેભાગે, ધારણામાં રત રહ્યાં !

કંઇ રહ્યું નહીં પર્વ જેવું ,છેવટે
પાછલા સંભારણામાં રત રહ્યાં

જેટલું  ભરતા ગયા- ખાલી થયું
છિદ્રશાળી ઠામણામાં રત રહ્યાં !

ભૂલમાંથી કોઇ  કંઇ શીખ્યું જ નહીં
વળ ચડેલા તાંતણામાં રત રહ્યાં !

એક આંખે આંસુ, બીજીમાં હરખ
કેટલાં નોંખાપણામાં રત રહ્યાં !

જિંદગી કહી મોતને જીવ્યા કર્યું
શ્વાસનાં હોવાપણામાં રત રહ્યાં


ડૉ. મહેશ રાવલ

દોડતો રાખ્યો મને…!

જે નથી એ પામવાએ દોડતો રાખ્યો મને....! વૉલપેપર ઈમેજ,કાયઝર હોસ્પિ.- કેલિફોર્નીયા.

સ્વપ્ન જેવા ઝાંઝવાએ દોડતો રાખ્યો મને
જે નથી, એ પામવાએ દોડતો રાખ્યો મને

કઈ હદે પહોંચ્યાં પછી અનહદ ગણાશું વિશ્વમાં
એ વિષે વિચારવાએ દોડતો રાખ્યો મને

મનઘડન અંધાર ઓઢી માત્ર ખુદને ઓળખે
એ ખૂણા અજવાળવાએ દોડતો રાખ્યો મને

જો ચડે તો કેમ ઊતરતાં નથી વળ ગર્વનાં ?
એ હકીકત જાણવાએ દોડતો રાખ્યો મને

શ્વાસ ‘ ને ઉચ્છવાસ વચ્ચે હોય છે હોવાપણું
જિંદગીભર, જીવવાએ દોડતો રાખ્યો મને

એ અલગ છે કે દિલાસા ખોતરે છે ઝખ્મ,પણ
દર્દ કરતાં તો દવાએ દોડતો રાખ્યો મને !

મૂર્ખ દોસ્તોથી તો સારા બુદ્ધિશાળી દુશ્મનો
તોય સાલ્લું ! જીતવાએ દોડતો રાખ્યો મને !


આ બ્લોગ પરની ૨૦૦મી ગઝલ…

છંદવિધાનઃરમલ ૨૬
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ડૉ. મહેશ રાવલ

વરસાદમાં…

વરસાદી ભીનાશ....

કેવું  હ્રદય હરખાય છે વરસાદમાં !
નમણાંશ બમણી થાય છે વરસાદમાં

હોઠે ન આવી હોય એ વાતો બધી
શબ્દોવગર થઈ જાય છે વરસાદમાં !

તન મન દઝાડે જે પવન વૈશાખમાં
મલ્હાર ગાતો વાય છે વરસાદમાં

પાલવ ધરાનો કેટલો શોભે હરિત !
સુંદરપણું છલકાય છે વરસાદમાં

ખળખળ વહે છે સ્વપ્ન,જીવન સીંચતાં
કાંઠા સજીવન થાય છે વરસાદમાં

નીકળે ક્વચિત અપવાદ માણસ, આમ તો
પથરા ય પલળી જાય છે વરસાદમાં !

હર બુંદમાં દેખાય છે એની ઝલક
ઈશ્વર સ્વયં મલકાય છે વરસાદમાં !


ડૉ. મહેશ રાવલ

…જેવી લાગશે.

વાસ્તવિક્તા - છાંયો.....પડછાંયો.

જિંદગી પ્રત્યેક પળ  જંજાળ જેવી લાગશે
મન હશે ઉદ્વિગ્ન તો તો, ફાળ જેવી લાગશે

હોય મતલબ ત્યાંસુધી સહુ  વ્હાલસોયું  હોય છે
પણ, પછી હર શખ્સિયત કંગાળ જેવી લાગશે !

રાખવા પડશે  હિસાબો  ખામી-ખૂબી બેયનાં
આખેઆખી જાત નહીંતર, આળ જેવી લાગશે

કોઇવેળા સ્વપ્ન તૂટે, કોઇવેળા લાગણી
તડ ગમે તે હો, પ્રથમ તો વાળ જેવી લાગશે

વાસ્તવિક્તા જેમણે સ્વીકૃત કરી – સમજી ગયા
અન્યને  હર પળ, અકળ ઘટમાળ જેવી લાગશે !


છંદવિધાનઃ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ડૉ. મહેશ રાવલ

લખું છું ગઝલમાં…!

અણીશુદ્ધ તડકા લખું છું ગઝલમાં...

અણીશુદ્ધ તડકા લખું  છું ગઝલમાં
મઠારેલ સપના લખું છું ગઝલમાં

હતી કાલ જે માત્ર કેડી, અમસ્તી
હવે એને રસ્તા લખું છું ગઝલમાં

તફાવત બધા, ખાસિયત થઈ ગયા છે
હજૂ તો હું અડધા લખું છું ગઝલમાં !

અસંભવ ગણી, ચાતરે માર્ગ લોકો
હું  એનાય નક્શા લખું છું ગઝલમાં !

હવે ક્યાં રહ્યું છે અજાણ્યાપણું કંઇ
ખુદાને ય ઘરના  લખું  છું ગઝલમાં !

ન કાને પડ્યા સાદ થઈ ઓળખીતાં
છતાં, નામ ગમતાં લખું છું ગઝલમાં

ફરી જાય ટાણે જ અવળા, અધિકતર
એ અપલખણાં મણકા લખું છું ગઝલમાં !


છંદવિધાનઃ
લગાગા લગાગા લગાગા લગાગા

ડૉ. મહેશ રાવલ

તું ક્યાં જશે…!

સત્યથી તરડાઇને તું ક્યાં જશે...!

જાતથી ગભરાઈને તું ક્યાં જશે
આડશે  ઢંકાઈને તું ક્યાં જશે  !

કેટલું ચાલ્યા જ કરવું છે હજૂ
આટલો લંબાઈને તું ક્યાં જશે

તું જ મારણ શોધ, તારા ઝેરનું
ગર્વથી છલકાઈને તું ક્યાં જશે

કમકમાટી ભેળવી તેં, શ્વાસમાં
રક્ત પીને-પાઈને તું ક્યાં જશે !

કોઈ પાસે ક્યાં હતી સંજીવની
મોતથી સંતાઈને તું ક્યાં જશે

તું ય દીવો થઈ શકે નમણો, સરસ
ગોખથી ફંટાઈને તું ક્યાં જશે

લખ ગમે તે નામ, છેલ્લે નાશ છે
સત્યથી તરડાઈને તું ક્યાં જશે

મૂર્ખ છે તું - વારસાગત મૂર્ખ છે !
માનવી ! વળખાઈને તું ક્યાં જશે


છંદવિધાનઃ રમલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

ડૉ. મહેશ રાવલ

વિદ્યમાન છે…

અનેકમાં એકનો પ્રભાવ....

અનેકમાં ય એકનો પ્રભાવ વિદ્યમાન છે
તમામ રૂપમાં અલગ સ્વભાવ વિદ્યમાન છે

તફાવતો સુધી ગયા પછી જ ફેર સાંપડે
અમસ્તા ક્યાં કશા અહીં બનાવ વિદ્યમાન છે !

ઉઘાડવા પડે પ્રથમ કમાડ સર્વ મર્મનાં
પછી સહજ પ્રકાર આવજાવ વિદ્યમાન છે

દિવસ થતાં જ ગુમશુદા જણાય આગિયા બધા
સતત અહીં સમર્થનો દબાવ વિદ્યમાન છે

અલગ થતો જણાય છે મનુષ્ય ખુદ મનુષ્યથી
જરૂર પૂરતો જ બસ, લગાવ વિદ્યમાન છે !

ન પૂર્ણ થઈ જરૂરતો, ન સ્વપ્ન પણ રહ્યાં સિમિત
દરેક આંખમાં સજલ અભાવ વિદ્યમાન છે

રમાડતો ફરે સમય અઠંગ ઠાવકાઈથી
ન જીતવું ય શક્ય, કે ન દાવ વિદ્યમાન છે !

જીવાય એમ જિંદગી ઘડાય એની ના નથી
પરંતુ, મૃત્યુથી કશો બચાવ વિદ્યમાન છે ?

જલદ જલદ જલદ જલદ, સર્વત્ર છે બધું જલદ
‘ને એથી પણ જલદ અહીં તનાવ વિદ્યમાન છે !


છંદવિધાનઃ દ્વિખંડી ષટ્કલ
લગાલગા લગાલગા લગાલગા લગાલગા

ડૉ. મહેશ રાવલ

અમે…

કોણ હાંકી રહ્યું છે શકટ, ખ્યાલ છે...!ફોટો-ઈશ્વરીયા પોસ્ટ,પિકનીક સ્પોટ-રાજકોટ(ગુજરાત)

આજની વાત આજે કરી છે અમે
કાલને પણ સતત ખોતરી છે અમે

જિંદગી, કંઇ અમસ્તું ટહેલવું નથી !
લક્ષ્યવેધી સફર આદરી છે અમે

કોણ હાંકી રહ્યું છે શકટ, ખ્યાલ છે
જાતને બહુ કસી જોતરી છે અમે

માત્ર સપનાં જ ઠાંસ્યા નથી,દરઅસલ
આંખને આંસુઓથી ભરી છે અમે

થઈજવાયું તલબગાર ખુદ છેવટે
એ હદે લાગણી પાથરી છે અમે !

જિંદગી હોય કે, હો ગઝલનું ફલક
વાસ્તવિક્તા નરી આવરી છે અમે

જ્યાં ગરિમા ન જળવાય ઔચિત્યની
એ ગલી, સત્વરે ચાતરી છે અમે


છંદવિધાનઃ
ગાલગા ગાલગા ગાલગા ગાલગા

ડૉ. મહેશ રાવલ

માણસો ફોડી શકે…!

વિસ્ફોટ પછીનું વાતાવરણ...

જળમાં રહી જળને ય અવખોડી શકે
માણસ, કદી માણસપણું છોડી શકે ?

સહુને ગમે વિસ્તારવું ખુદનું ફલક
પણ કૂપમંડક શું નવું જોડી શકે ?

મનથી જ જે ભાંગી પડેલાં હોય, એ
દોડી-દોડીને કેટલું દોડી શકે ?

નાજુક ગણાતી લાગણી, પથ્થર બને
તો જિંદગી શું, જાતને તોડી શકે

છે હસ્તગત માણસને એ નવતર કસબ
ફુગ્ગાની જેમજ માણસો ફોડી શકે !


છંદવિધાનઃ
ગાગાલગા ગાગાલગા ગાગાલગા

ડૉ. મહેશ રાવલ

« Newer Entries - Older Entries »