RSS

વાતો ના કર…!

તારી ફરતે ગુંથ્યું છે તેં "હું" નું જાળું....

તારી ફરતે ગુંથ્યું છે તેં “હું” નું જાળું….

 

લગભગ અથવા જેવી ઠાલી વાતો ના કર
અધકચરી, ‘ને આંટીઆળી વાતો ના કર !

ભીતર-ભીતર વાગી રહી છે તાળી સાંભળ
ઉપરછલ્લી, કર્કશ તારી વાતો ના કર !

આખું એ આખું ‘ને અડધું એ અડધું, બસ
તું એમાં ક્યાં છે જો, બાકી વાતો ના કર !

તારી ફરતે ગુંથ્યું છે તેં “હું” નું જાળું
અમથે-અમથી દસમાથાળી વાતો ના કર !

ઢળતા ઢાળે ઢાળે છે તું કાયમ ખુદને
ખામીને, ખૂબીમાં ઢાળી વાતો ના કર !

તારૂં મારૂં સહિયારૂં ‘ને મારૂં, મારૂં
દાનત એવી ખોરી રાખી વાતો ના કર

સહુની પાસે પોતીકો ઝળહળ દીવો છે
આંખો મીંચી, અંધારાની વાતો ના કર !!

 

ડૉ.મહેશ રાવલ

 

 
9 Comments

Posted by on October 27, 2013 in my gazal

 

ઓળખે છે…

કોડિયાનાં તળ તમસને ઓળખે છે...!

કોડિયાનાં તળ તમસને ઓળખે છે…!

 

કોડિયાનાં તળ તમસને ઓળખે છે
હોય દીવા, એજ ઘરને ઓળખે છે !

વાટનું અસ્તિત્વ ઓગાળે સ્વયંને
એ બહાને, એ સમયને ઓળખે છે

નીતરે પ્રત્યેક ખૂણો તરબતર થઇ
વ્યસ્ત અજવાળું, અસરને ઓળખે છે !

ઓળખીતાં થઇ ગયેલાં દ્વાર બન્ને
ટેવવશ, આવાગમનને ઓળખે છે

હા અને છણકે ચડેલી ના અમસ્તી
બેય, પરસ્પરની તરસને ઓળખે છે !

ઓળખે છે ભૂખ કેવળ ભૂખલાંને
દૂઝણી તૃષ્ણા, પરબને ઓળખે છે

પાંખ ફૂટી હોય એવી લાગણી તો
માત્ર, એની માવજતને ઓળખે છે

કંઇ નથી રહેતું અછાનું કે અછૂતું
સ્પર્શ, હુંફાળા હવનને ઓળખે છે !

હર કસબને હોય છે એની મહત્તા
પણ, જગત તો કારગતને ઓળખે છે !!

 

 

ડૉ.મહેશ રાવલ

 
6 Comments

Posted by on October 1, 2013 in my gazal

 

પ્રશ્નાર્થ ઊભા કર્યા…

દ્રાક્ષ તો એને જ ખાટી લાગવાની "મહેશ".......

દ્રાક્ષ તો એને જ ખાટી લાગવાની “મહેશ”…….

 

ક્યાંક રસ્તાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા
કયાંક પગલાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા

કોઇવેળા સાવ સીધીવાત કારણ બની
ક્યાંક અથવાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા

બહુ મથીને માંડ સાક્ષરતા ઠરીઠામ થઇ
તો, પ્રખરતાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા !

ક્યાંક આખા પાત્રનાં મોંફાટ ઉભરા નડ્યા
ક્યાંક અડધાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા !

વાદ કરતાં તો વિવાદે ઘોર ખોદી, અને
ક્યાંક જડતાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા

ભેળિયારો ખુદ બન્યો નિમિત્ત ક્યારેક, તો
કયાંક અતડાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા

દ્રાક્ષ તો એને જ ખાટી લાગવાની “મહેશ”
જેની ક્ષમતાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા !!

 

ડૉ.મહેશ રાવલ

મિત્રો,
૨૨ સપ્ટે. ૨૦૧૩ના રોજ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા આયોજીત,
પ્રથમ વૈશ્વિક વૅબ મહેફિલમાં, મેં રજૂ કરેલી ગઝલ.

 

 
9 Comments

Posted by on September 23, 2013 in my gazal

 

વાતમાં ને વાતમાં…

શુષ્ક વાદળ ફરફરે છે આભમાં ને આભમાં...

શુષ્ક વાદળ ફરફરે છે આભમાં ને આભમાં…

 

વાત છે, વણસી શકે છે વાતમાં ને વાતમાં
પાછલાં કિસ્સા ઉખડશે ખારમાં ને ખારમાં

છે બટકણાં શ્વાસની કાંધે ઊભું હોવાપણું
ભાર ખડકાતાં રહે  છે, ભારમાં ને ભારમાં

તત્વ, જેને જીવ નામે ઓળખે છે માળખું
ચેતના પૂર્યા કરે છે રાખમાં ને રાખમાં

જોડવા મથતી રહે છે લાગણી સંબંધને
વળ ચડે વળ ઊતરે બસ, ગાંઠમાં ને ગાંઠમાં

હેતુપૂર્વક થાય ઘર્ષણ એ સતત ચાલ્યાં કરે
ધાર નીકળતી જવાની, ધારમાં ને ધારમાં

ક્યાં કનકવાથી વધારે આપણું હોવું ય છે
વા ફરે બસ એમ ફરવું તાણમાં ને તાણમાં !

એકવેળા, ભાગમાંથી ભાગ નોંખો થાય તો
ભાગલા પડતાં જવાનાં ભાગમાં ને ભાગમાં

હેસિયત જોયા વગર જોયા કરે છે સ્વપ્ન જે
એ, પછી જીવ્યા કરે છે આશમાં ને આશમાં

જળસભર જે હોય એ વરસાદ થઇ વરસી પડે
શુષ્ક વાદળ ફરફરે છે, આભમાં ને આભમાં !

 

 

ડૉ.મહેશ રાવલ

 
8 Comments

Posted by on September 12, 2013 in my gazal

 

એ હું નહીં…!

 

ફુલને, ઝાકળ બની ધોયા કરે એ હું નહીં !

ફુલને, ઝાકળ બની ધોયા કરે એ હું નહીં !

 

માત્ર ઊગતા સૂર્યનો પહેરો ભરે,એ હું નહીં
ફુલને, ઝાકળ બની ધોયા કરે એ હું નહીં !

જે મળી જેવી મળી પ્રત્યેક ક્ષણ માણ્યાવગર
આવતી ક્ષણનાં વિચારે, થરથરે એ હું નહીં

હસ્તગત છે એજ મારૂં છે,ખબર હોવા છતાં
બાદ-વત્તાની રમત રમતાં ફરે, એ હું નહીં

એ અલગ છે કે નથી એકેય દીવો કાયમી
પણ, અમસ્તી ફૂંકથી પણ જે ઠરે એ હું નહીં

છે જરૂરી, એટલું પર્યાપ્ત છે મારી કને
પારકા તેજે જ કાયમ ઊછરે એ હું નહીં

ઓળખીતાં હોય એનાં હર કસબ અદકા ગણી
‘ને અજાણ્યાની ખૂબીને ખોતરે, એ હું નહીં !

સત્યની કડવાશ પીને ઊછર્યો છું હરપળે
વાસ્તવિક્તાથી ડરી, ફફડી મરે એ હું નહીં

 

ડૉ.મહેશ રાવલ

 
10 Comments

Posted by on September 5, 2013 in my gazal

 

કોણ વેઠે છે હવે…

 

શૂષ્ક ઝાળાં ઝાંખરાં કોણ વેઠે છે હવે...!

શૂષ્ક ઝાળાં ઝાંખરાં કોણ વેઠે છે હવે…!

 

મનવગરનાં માળવા કોણ વેઠે છે હવે
સંસ્મરણ પણ,ભાંગલા કોણ વેઠે છે હવે

ભૂખ રહી છે સર્વને મખમલી સૌંદર્યની
સાવ બરછટ ચામડા કોણ વેઠે છે હવે !

ઘર કરી ગઇ છે બધે આધુનિક્તા ચકચકિત
ધૂળધોયા આંગણાં કોણ વેઠે છે હવે

હદ વળોટી વિસ્તરે છે બધા, અનહદ થવા
માપ લેતા માપણાં કોણ વેઠે છે હવે !

દૂબળી તો દૂબળી ગા નિભાવે છે બધા
સાવ અડિયલ આખલા કોણ વેઠે છે હવે

ફળ લચેલાં વૃક્ષની માવજત સહુ વેઠશે
શુષ્ક ઝાળાં ઝાંખરા કોણ વેઠે છે હવે !

સાવ અંગત હોય જે, એજ વેંઢારે છે સહુ
આંસુ, આઘી આંખનાં કોણ વેઠે છે હવે !

 

ડૉ.મહેશ રાવલ

 
8 Comments

Posted by on August 29, 2013 in my gazal

 

તો આગળ વધું…!

હા કહી, સ્વીકાર જેવું આપ તો આગળ વધું....

હા કહી, સ્વીકાર જેવું આપ તો આગળ વધું…

 

કૈંક તો અણસાર જેવું આપ, તો આગળ વધું
જાગતા આધાર જેવું આપ તો આગળ વધું

ક્યાંસુધી વેંઢારવાનો ભાર આ ભરમારનો
અર્થને, વિસ્તાર જેવું આપ તો આગળ વધું

કેટલા હાંફી રહ્યાં છે ફેફસા કર્કશપણે
શ્વાસમાં રણકાર જેવું આપ, તો આગળ વધું

એક તો લાંબી સફર ‘ને સાવ એકલપંડ હું
સાથ દઇ, સહકાર જેવું આપ તો આગળ વધું

લોકલાજે, કાં પછી  અંગત ગણી સંભાળ પણ
તું વચન અવતાર જેવું આપ તો આગળ વધું

શૂન્ય વત્તા શૂન્યથી તો શૂન્ય નિપજે છે સતત
કંઇ નવા આકાર જેવું આપ તો આગળ વધું

જીવનો શું શીવ પર હક, યુગયુગાંતરથી નથી ?
હા કહી, સ્વીકાર જેવું આપ તો આગળ વધું

 

 

ડૉ.મહેશ રાવલ

 
15 Comments

Posted by on August 19, 2013 in my gazal

 

હક એમનો લાગે પ્રથમ…

 

છે ધ્યાનપૂર્વક ધ્યાનમાં, હક એમનો લાગે પ્રથમ...

છે ધ્યાનપૂર્વક ધ્યાનમાં, હક એમનો લાગે પ્રથમ…

 

સમજી ગયા જે સાનમાં હક એમનો લાગે પ્રથમ
સાચા ઠર્યા અનુમાનમાં, હક એમનો લાગે પ્રથમ

સર્વાંગસુંદર, જાગતું વ્યક્તિત્વ સાંગોપાંગ લઇ
તત્પર રહે પ્રસ્થાનમાં, હક એમનો લાગે પ્રથમ

સીધીઅસર સંમોહનોની વ્યાપ્ત છે સર્વત્ર,પણ
છે તોય પૂરા ભાનમાં, હક એમનો લાગે પ્રથમ !

લગભગ બધા ગરકાવ છે અહીં આત્મશ્લાઘામાં સતત
ત્યાં, વ્યસ્ત છે ઉત્થાનમાં હક એમનો લાગે પ્રથમ

આગળ વધે તો સૂર્યમાફક, જાય ત્યાં ઝળહળ કરે
અંધાર રાખે બાનમાં હક એમનો લાગે પ્રથમ !

નિર્મોહ નિર્મળ પોત ધોળું જાળવી, જાણી શકે
નહીં રંગ નહીં રોગાનમાં હક એમનો લાગે પ્રથમ

ઇચ્છા અપેક્ષાગ્રસ્ત પરવશ માનસિક્તાથી પરે
છે ધ્યાનપૂર્વક ધ્યાનમાં, હક એમનો લાગે પ્રથમ !

 

 

ડૉ.મહેશ રાવલ

 
9 Comments

Posted by on August 10, 2013 in my gazal

 

દબદબો અકબંધ છે…

 

દૂરનાં ડુંગર ભલે લાગતાં રળિયામણાં.....

દૂરનાં ડુંગર ભલે લાગતાં રળિયામણાં…..

 

ભીતરી અજવાસનો દબદબો અકબંધ છે
જાણતલ છે એમનો, દબદબો અકબંધ છે

વિસ્તરણ ‘ને વ્યાપની ખાતરી છે જેમને
માન્યવર સંગાથનો દબદબો અકબંધ છે

દૂરનાં ડુંગર ભલે લાગતાં રળિયામણાં
પણ, નજરની પારનો દબદબો અકબંધ છે

આવનારૂં કોણ છે  ‘ને ગયું એ શું ગયું
એ અનુસંધાનનો દબદબો અકબંધ છે

હોય છે નિમિત્ત જે કાર્ય-કારણ બેયમાં
પૂર્ણનાં પૂર્ણાંશનો દબદબો અકબંધ છે

બીજથી લઇ બીજ લગ,જાતરાનાં મૂળમાં
તત્વ પાંચેપાંચનો દબદબો અકબંધ છે !

હોય એ હોતું નથી, હોય નહીં એ હોય છે
એ સમજ, એ જ્ઞાનનો દબદબો અકબંધ છે

 

ડૉ.મહેશ રાવલ

 

 
12 Comments

Posted by on August 4, 2013 in my gazal

 

એ ક્યાં વિચાર્યું કોઇએ…!

 

બાંકડે બેસી, પરસ્પર આપવીતી વર્ણવી….

 

ફૂલ સાથે શું ખર્યું એ ક્યાં વિચાર્યું કોઇએ
ઝાડવાને શું નડ્યું,એ ક્યાં વિચાર્યું કોઇએ

એકસરખી છે દશા આ લાગણી ‘ને વૃક્ષની
પાંગરીને શું મળ્યું એ ક્યાં વિચાર્યું કોઇએ !

પર્ણપીળાં વૃક્ષ નીચે છાંયડો શોધ્યા કર્યો
કેટલું,ક્યાં ક્યાં લડ્યું એ ક્યાં વિચાર્યું કોઇએ

બાંકડે બેસી,પરસ્પર આપવીતી વર્ણવી
આંસુ સાથે શું વહ્યું,એ ક્યાં વિચાર્યું કોઇએ !

મૂછમાં હસતું રહ્યું પંખી, ચણાંતા ઘર ઉપર
શું વિચારીને હસ્યું એ ક્યાં વિચાર્યું કોઇએ !

બે-અસર ક્યાં રહી શક્યું છે કોઇ અહીં, બદલાવથી
શું અસર થઇ વિસ્તર્યું એ ક્યાં વિચાર્યું કોઇએ

મારવા-મરવા સુધી પહોંચી ગયા, ટોળે વળી
આપણાંમાં શું ભળ્યું, એ ક્યાં વિચાર્યું કોઇએ !

 

 

ડૉ.મહેશ રાવલ

 
8 Comments

Posted by on July 28, 2013 in my gazal